અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે રવાના થતાં પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'તે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની છત પર લગાવવામાં આવેલી સૌર પેનલ્સ ભારતે ભેટમાં આપી છે. આ પેનલ્સ 10 લાખ ડોલરના ખર્ચે તૈયાર થઈ છે. મોદી 24મી સપ્ટેમ્બરે ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં રીમોટથી 'ગાંધી સોલાર પાર્ક'નું ઉદ્ધાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક નવ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'આ પ્રવાસમાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે. અમેરિકાના પ્રવાસ પર સમગ્ર દુનિયાના નેતાઓને મળવાની તક મળશે.'
મોદી આ પ્રવાસ દરમિયાન એક જ સપ્તાહમાં ટ્રમ્પ સાથે બે વાર મુલાકાત કરશે. 22મી સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદીની પહેલી મુલાકાત થશે તેમજ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભા દરમિયાન 24મી સપ્ટેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પ - મોદી સાથે દ્વિ-પક્ષીય ચર્ચા કરશે. આજે વડાપ્રધાન 50,000 ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે.