નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિને લઇને ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 20 માર્ચના રોજ પણ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી અને રાજ્યોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાને મુખ્યપ્રધાનોને સંબોધન કરી કોરોનાનું સંક્રમણ રોકવા માટે સ્થાનિક પ્રશાસન વચ્ચે તાલમેલ સાધવા કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ અ સમયે રાજ્યોમાં કોરોના વાઇરસ સામે લડવા માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન અને આરોગ્ય મંત્રાલયના ઘણા અન્ય અધિકારી પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ લોકોને જાગૃત કરવા માટે પ્રિન્ટ મીડિયાના પ્રમુખો, ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રમુખો અને રેડિયો જોકી સાથે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઇરસથી 1,637 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત 38 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.