- નિવાર ચક્રવાત બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર સ્થિર
- તમિલનાડુના ચેન્નઈમાં ભારે વરસાદ
- PM મોદીએ આર્થિક પેકેજ જાહેર કર્યું
નવી દિલ્હી : નિવાર ચક્રવાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના મુખ્યપ્રધાન કે પલાનીસ્વામી સાથે ચર્ચા કરી હતી. આ સાથે તામિલનાડુની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.
બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્રીય ટીમ તમિળનાડુ મોકલવામાં આવી
તામિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામી સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યના ઘણા ભાગોમાં ચક્રવાત અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ત્યાંની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ સાથે વડાપ્રધાને જણાવ્યું કે, બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્રીય ટીમ તમિળનાડુ મોકલવામાં આવી રહી છે.
મૃતકોના સગાઓને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન-માલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના સગાઓને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા વળતરની પણ જાહેરાત કરી હતી.
પરિસ્થિતિને પહોંચી વળવા શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું
આ અગાઉ મંગળવારે પણ તામિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામી અને પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસ્વામી સાથે વાત કરતા સમયે વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાની કામના કરતા, તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા શક્ય તમામ મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.