પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત બિહારને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં 9 હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ નવ હાઇવે પ્રોજેક્ટ્સ પર 14,258 કરોડ રૂપિયા ખર્ચ થશે.
હાઇવે પ્રોજેક્ટ્સ શિલાન્યાસ સાથે વડાપ્રધાન મોદી દ્વારા બિહારના ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓ સાથે જોડવા માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સંદર્ભે જાહેર કરવામાં આવ્યું છે કે, બિહારના આ રસ્તાઓના વિકાસથી વિકાસને પણ પ્રોત્સાહન મળી રહેશે. બિહાર અને તેના આસપાસના વિસ્તારોમાં પણ આર્થિક વિકાસમાં તેજી જોવા મળશે.બિહાર અને પડોશી રાજ્યો ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં, લોકો અને માલની અવરજવર વધુ સરળ બની રહેશે.
2015 માં, વડાપ્રધાન મોદીએ બિહારના વિકાસ માટે વિશેષ પેકેજની જાહેરાત કરી હતી. જેમા 54,700 કરોડના ખર્ચે 15 પ્રોજેક્ટ્સ પર કામ થવાનું હતું પરંતુ જેમાંથી 13 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા હતા.
રાજમાર્ગ પરિયોજનાઓ અંતર્ગત બિહારની નદીઓ પર પૂલ બનાવવામાં આવશે અને રાષ્ટ્રીય રાજમાર્ગોનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે, તો બીજી તરફ 45,945 ગામોને ડિજિટલ માધ્યમ સાથે જોડી અને રાજ્યના દરેક ખૂણામાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા આપવાની પણ તૈયારી થઇ રહી છે.
PMએ જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં બિહારના તમામ ગામોને ઇન્ટરનેટ સેવા સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટથી બિહાર વધુ સમૃદ્ધ બનશે.
આ સમગ્ર પ્રોજેક્ટનો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અમલ કરવામાં આવશે. જે ડિજિટલ માધ્યમ દ્વારા ડિજિટલ સાક્ષરતા, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન માન ધન જેવી ઘણી સેવાઓ આપે છે. તેમણે દેશભરની લાખો ગ્રામ પંચાયતોમાં Wi-Fi પણ સ્થાપિત કર્યુ છે. જ્યારે બિહારમાં 34,821 CSC કેન્દ્રો ઉપલબ્ધ છે.
ભારત નેટ યોજના અંતર્ગત દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાની યોજના ઘડવામાં આવી છે. જેમાં બિહારની તમામ ગ્રામ પંચાયતોમાં તો નેટ પુરૂ પારવામાં આવ્યુ છે. હવે ગ્રામ પંચાયત પહેલા ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર પુરૂપાડવામાં આવશે અને ઘણાં જાહેર સ્થળોએ Wi-Fi પણ સ્થાપિત કરવામાં આવશે. તેમજ સામાન્ય લોકો પણ પોતાના ઘરે આ સુવિધાનો લાભ મેળવી શકશે.