ન્યૂઝડેસ્ક : આંગળીના ટેરવા જેવડા પેચ મારફતે ઉંદરોને આ રસી આપવામાં આવી હતી. ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ રસીએ SARS-CoV-2 સામે રોગપ્રતિકારક શક્તિ પેદા કરી હતી. આ પ્રતિકારક શક્તિ વાયરસને નષ્ટ કરવા માટે પુરતા પ્રમાણમાં હોવાનું માનવામાં આવે છે. લાન્સેટ દ્વારા બાયોમેડિસિન્સ પર પ્રકાશિત થતા અભ્યાસપત્રમાં રસી શોધનાર ટીમે આ દાવો કર્યો હતો.
સંશોધનકારો ઇન્વેસ્ટિગેશનલ ન્યૂ ડ્રગ (IND) માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની મંજૂરી મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયામાં છે. તેમની ધારણા છે કે માનવ પર તબીબી પરીક્ષણનો પ્રથમ તબક્કો આગામી કેટલાક મહિનાઓમાં શરૂ થશે. જો માનવજાત પર અજમાયશ સફળ રહેશે તો પણ આ રસીને બજારમાં પહોંચતા એક વર્ષ કરતાં વધુનો સમય લાગશે.
આ ટીમ 2003માં SARS-CoV અને 2014માં MERS-CoV સામે દવા વિકસાવવાનો અનુભવ ધરાવે છે.
આ સંશોધન પત્રના કો-સિનિયર ઑથર અને પિટ સ્કૂલ ઑફ મેડિસિનના સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર એન્ડ્રીયા ગેમ્બોટ્ટોએ જણાવ્યું હતું કે, “આ બે વાયરસો SARS-CoV-2 સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. આ વાયરસો આપણને શિખવે છે કે, સ્પાઇક પ્રોટીન નામના ચોક્કસ પ્રોટીન વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ પેદા કરવા માટે મહત્વના છે. આ નવા વાયરસ સામે ચોક્કસ કઇ જગ્યાએ લડવું તે અમને ખબર છે.”
અભ્યાસ પત્રના કો-સિનિયર ઑથર અને પિટ સ્કૂલ ઑફ મેડિસિન અને UPMCના ડર્મેટોલોજી વિભાગના પ્રોફેસર અને ચેરપર્સન લુઇસ ફલોએ ઉમેર્યું હતું કે, “ઝડપથી આ રસી વિકસાવવા માટેની અમારી ક્ષમતા સમાન ઉદ્દેશ સાથે સંશોધનના વિવિધ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાત વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે.”
તાજેતરમાં જ તબીબી અજમાયશમાં પ્રવેશ કરનાર પ્રાયોગિક mRNA વેક્સિન કેન્ડિડેટની તુલનાએ “પિટકો વેક”(પિટ્સબર્ગ કોરોના વાયરસ વેક્સિનનું ટૂંકું રૂપ) નામની રસી વધુ સ્થાપિત અભિગમ અનુસરે છે અને તે રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરવા માટે લેબમાં બનાવેલા વાયરલ પ્રોટીનનો ઉપયોગ કરે છે.
ઉંદરો પર પરીક્ષણ કરતી વખતે પિટકો વેકે માઇક્રોનીડલ પ્રિકના બે સપ્તાહની અંદર SARS-CoV-2 સામે પુષ્કળ પ્રતિકારક શક્તિ પેદા કરી હતી. સંશોધનકારોએ રસીની શક્તિ વધારવા માટે માઇક્રોનીડલ એરે નામની નવી ડ્રગ ડિલિવરી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.
એરે એ આંગળીના ટેરવાના માપનો એક ટુકડો છે જે 400 જેટલી ઝીણી સોંયો ધરાવે છે. આ સોંયો ચામડીની અંદર સ્પાઇક પ્રોટીન દાખલ કરે છે. ચામડીમાં રોગ પ્રતિકારક પ્રક્રિયા સૌથી બળવાન હોય છે.
આ પેચ બેન્ડ-એઇડ જેવો દેખાય છે અને તેની સોંયો, શર્કરા અને પ્રોટીનના ટુકડાઓની બનેલી હોય છે, ચામડીમાં ઓગળી જાય છે.
ફલોએ જણાવ્યું હતું કે, “શીતળાની રસી આપવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તે મૂળ સ્ક્રેચ પદ્ધતિના આધારે અમે આ રસી વિકસાવી છે પરંતુ આ રસી અત્યાધુનિક છે. જે એક દર્દીથી બીજા દર્દીએ ભિન્ન કાર્યક્ષમતા અને ઉત્પાદકતા ધરાવે છે.”
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ મોટા પાયે ઉત્પાદન કરી શકાય તેવી છે.
આ પેચનું મોટા પાયે ઉત્પાદન સરળ છે. સેન્ટ્રિફ્યુજનો ઉપયોગ કરીને પ્રોટીન અને શર્કરાના મિશ્રણને બિબામાં ઢાળીને માઇક્રોનીડલ એરે તૈયાર કરી શકાય છે.
આ રસી તેનું ઉત્પાદન થયા બાદ તેનો ઉપયોગ ના કરવામાં આવે ત્યાં સુધી તે ઓરડાના તાપમાને ટકી શકે છે જેને કારણે રસીઓના પરિવહન અને સંગ્રહ માટે જરૂરી રેફ્રિજરેશનની પ્રક્રિયા આપોઆપ દૂર થઇ જાય છે.
ગેમ્બોટ્ટોએ જણાવ્યું હતુંકે, “મોટા ભાગની રસીઓના કિસ્સામાં તમારે શરૂઆતમાં મોટા પાયે ઉત્પાદન ક્ષમતાની સમસ્યાને ધ્યાનમાં લેવાની હોતી નથી. પરંતુ તમે વૈશ્વિક મહામારી સામે કેટલી ઝડપથી રસી તૈયાર કરો છો તે મહત્વનું છે.”
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, MERS-CoV રસી મેળવનાર ઉંદરોએ ઓછામાં એક વર્ષ સુધી વાયરસ સામે લડત આપી શકે તે સ્તરે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરી હતી અને હવે SARS-CoV-2 રસી આપેલા પ્રાણીઓ પણ તે જ સ્તરે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરી હોય તેમ જણાય છે.
મહત્વનું છે કે, SARS-CoV-2 માઇક્રોનીડલ રસી ગેમા રેડિયેશન દ્વારા સ્ટરિલાઇઝ્ડ કર્યા બાદ પણ તેની શક્તિ જાળવી રાખે છે જે માનવમાં ઉપયોગ માટે આ પ્રોડક્ટને સાનુકૂળ બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે.
ફલોએ જણાવ્યું હતું કે, “દર્દીઓમાં પરીક્ષણ માટે ઓછામાં ઓછો એક વર્ષનો અને કદાચ તેના પણ વધુ સમય લાગશે.”
ઑથરોએ લખ્યું હતું કે, “વર્તમાન સ્થિતિ અમે અગાઉ ક્યારેય ના જોઇ હોય તેવી સ્થિતિ છે માટે અમને ખબર નથી કે માનવ જાત માટે રસી વિકસાવવામાં અમને કેટલો સમય લાગશે. સામાન્ય પ્રક્રિયામાં તાજેતરમાં જાહેર કરાયેલા રિવિઝન સૂચવે છે કે અમે તેને વધુ ઝડપી બનાવી શકીશું.”
સંસ્થા બહારના સાથી વૈજ્ઞાનિકોની આલોચના બાદ પ્રકાશિત થનારો આ પ્રથમ અભ્યાસપત્ર છે જે કોવિડ-19 માટે કેન્ડિડેટ વેક્સીનનું વર્ણન કરે છે.