દેહરાદુન: ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાના કારણે અનેક ઘર ધરાશાયી થઈ ગયા છે. પહાડ પરથી કાટમાળ નીચે ધસી આવતા અનેક ઘર દટાઈ ગયા હતા અને સાથે જ પાણીના વહેણ સાથે અનેક લોકો તણાઈ ગયા હોવાના સમાચાર છે. જાણકારી મુજબ આ હોનારતે 14 લોકોનો ભોગ લીધો છે અને અનેક લોકો લાપતા થયા છે.
રવિવારે થયેલા ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં જોતજોતામાં અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. કાટમાળ નીચે દબાતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા જ્યારે અન્યને ઈજાઓ પહોંચી હતી.
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓ વેગીલી બની છે અને સૌથી વધુ નુકસાન મુનસ્યારી ખાતે થયું છે જ્યાં એક પુલ પાણીમાં સમાઈ ગયો હતો. મુનસ્યારીમાં ચીનની સરહદ સુધી લઈ જતા માર્ગને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. થોડા સમય પહેલા જ આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને હાલ તેના પર અનેક સ્થળે તિરાડો પડી ગઈ છે. મેલમ રોડ તૂટી જવાના કારણે ગામલોકોની સાથે સાથે સેનાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ ઉત્તરાખંડ સિવાય હિમાચલમાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.