નવી દિલ્હી: પ્રથમ અને બીજા લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ સામે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ દંડ ન ભરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી 15મી જૂને થશે. ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા આ અરજી કરવામાં આવી છે.
અરજદાર વતી એડવોકેટ શશાંક દેવ સુધીએ અરજીમાં જણાવ્યું છે કે, પ્રથમ અને બીજા લોકડાઉન દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે અનેક તબીબો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસકર્મીઓ, સેના જવાનો અને બેન્ક કર્મમચારીઓ વિરૂદ્ધ ચલણ કાપવામાં આવ્યા છે. આ બધા લોકો જરૂરી સેવા સાથે જોડાયેલા છે. લોકડાઉન દરમિયાન ટ્રાફિક રૂટ્સ બંધ કરાયા હતા તેમજ રેડ લાઇટ કામ કરી રહી ન હતી. આ તમામ ચલણ ટેકનિકલ ગેજેટ્સ દ્વારા આપવામાં આવ્યા છે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને ઈ-ચલણ ન આપવા જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાફિક પોલીસને તમામ રસ્તાઓ પર સ્પીડ લિમિટ સંબંધિત સાઇનબોર્ડ લગાવવા નિર્દેશ આપવો જોઇએ. ટ્રાફિક પોલીસે ઝિબ્રા ક્રોસિંગ એવી રીતે કરવી જોઈએ, જેથી તે રસ્તા પરના તમામ વાહન ચાલકોને દેખાય. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ડૉકટર કોરોના વાઇરસને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમને ઇ-ચલણ આપવો ગેરકાયદેસર છે.