નવી દિલ્હી: પીએમ કેર્સ ફંડને લગતા દસ્તાવેજોની માહિતી નહીં આપવાના નિર્ણય સામે વડાપ્રધાન કાર્યાલય સામે અરજી કરવામાં આવી હતી. જેના પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી બાદ જવાબ આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ ફાઇલ કરવાનો નિર્દેશ કર્યો છે.
આ અરજી સમ્યક ગંગવાલ દ્વારા કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન કચેરીના જાહેર માહિતી અધિકારીએ ગત 2 જૂનના રોજ પીએમ કેર્સ ફંડ સંબંધિત માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેમાં એમ કહેતા હતા કે, પીએમ કેર્સ ફંડ માહિતી અધિકારના કાયદાની કલમ 2 (એચ) હેઠળ જાહેર અધિકાર નથી.
અરજદારે 1 મેના રોજ આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરી હતી અને પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટ ડીડની નકલ માંગી હતી. અરજદારે દસ્તાવેજ અથવા પત્રની નકલ માંગી હતી, જે હેઠળ પીએમ કેર્સ ફંડની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે પીએમ કેર્સ ફંડની રચના માટે નિર્ણય લેતા તમામ દસ્તાવેજોની નકલ માંગવામાં આવી હતી. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ કેર્સ ફંડ એ આરટીઆઈની કલમ 2 (એચ) હેઠળ જાહેર સત્તા છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ કેર્સ ફંડની રચના સરકાર દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન કચેરીએ આ માટે એક અખબારી યાદી બહાર પાડી હતી. પીએમ કેર્સ ફંડમાં દાતાઓને આવકવેરા કાયદા અને કંપની કાયદા હેઠળ મુક્તિ આપવામાં આવી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ કેર્સ ફંડના એક્ઝિક્યુટિવ ચેરમેન દેશના વડાપ્રધાન છે, જ્યારે સંરક્ષણ, ગૃહ અને નાણાં પ્રધાનો તેના એક્ઝિફિશિઓ ટ્રસ્ટી છે. ભૂતપૂર્વ અધ્યક્ષ ચેરમેન અને ટ્રસ્ટીને ત્રણ વધારાના ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો અધિકાર છે. ફંડના અધ્યક્ષ અને ટ્રસ્ટીને જ તેમાં નાણાં ખર્ચવા નિયમો ઘડવાનો અધિકાર છે.