મથુરા જિલ્લાના પ્રભારી સતીશ મહાનાના જણાવ્યા મુજબ પેપ્સિકો ઇન્ડિયા મથુરા જિલ્લાના કોસિકલાં ઔદ્યોગિક ક્ષેત્રમાં 550 કરોડના ખર્ચે ખાદ્ય ઉત્પાદનો બનાવવાની ફેક્ટરીની સ્થાપના કરવા જઈ રહી છે. આ માટે સરકારે તેમને જમીનો પણ આપી દીધી છે. 2021 સુધીમાં અહીં ઉત્પાદનો શરુ કરી દેવાની કંપનીની યોજના છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમોમાં ઉપસ્થિત કેબિનેટ પ્રધાને જણાવ્યું, "ઉત્તર પ્રદેશ સરકાર ઔદ્યોગિક ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષોમાં પાછળ રહી ગયેલ રાજ્યને નવી દિશા આપવા માટે નીતિઓમાં સુધારો લાવી રહી છે. ઉદ્યોગસાહસિકોને રાજ્યમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરવા ઘણા મોટા કામો કરવામાં આવ્યા છે જેને પગલે ઉદ્યોગસાહસિકોએ પણ રોકાણ કરવામાં વિશ્વાસ દાખવ્યો છે.
પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'અગાઉની સરકારોમાં ઉદ્યોગસાહસિકો સાથે એટલી બધી લૂંટ ચલાવવામાં આવી છે કે ઉદ્યોગસાહસિકોએ રાજ્યમાં નાણાંનું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો હતો. અહીં જે પ્રોજેક્ટ્સ શરુ થવાના હતા, તેઓ તેમને અન્ય રાજ્યોમાં લઈ ગયા. આ પાછળનું કારણ અહીંની કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ હતી.''
તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, "કોસિકલાં ઔદ્યોગિક ક્ષેત્રમાં 54 એકર વિસ્તારમાં મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. પેપ્સિકો દ્વારા તેની ચિપ્સ બ્રાન્ડ સહિત ઘણા ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન માટે એકમ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ માટે તેમને જમીન ફાળવવામાં આવી છે. "આ ઉત્પાદનો બનાવવા માટે, કંપની અહીંના ખેડૂતો પાસેથી જ કાચો માલ ખરીદશે. આવી સ્થિતિમાં તેનો સીધો ફાયદો અહીંના ખેડુતોને થશે. ખાસ કરીને રોજગાર ગુમાવતાં ખેડુતોને બટાટા જેવા પાકના સારા ભાવ મેળવવાની તકો મળશે. "