NEET, JEE Exams 2020 : ઓડિશાના મુખ્યપ્રધાન પણ પરીક્ષાના વિરોધમાં, વડાપ્રધાન સાથે કરી વાતચીત - NEET અને JEE પરીક્ષા રદ્દ કરવા મોદીને પત્ર
દેશમાં NEET અને JEE પરીક્ષાને લઇ ચાલી રહેલા વિરોધ અને સમર્થન વચ્ચે ગુરુવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે વડાપ્રધાન મોદી સાથે ટેલીફોન પર વાત કરી હતી.
ભુવનેશ્વર : નવીન પટનાયકે વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા NEET અને JEEની પરીક્ષાઓ સ્થગિત કરવા અપીલ કરી હતી. પટનાયકે જણાવ્યું કે, રાજ્યમાં કેટલાક સ્થળો કોરોનાથી અસરગ્રસ્ત છે, જેને ધ્યાનમાં રાખતા પરીક્ષા સ્થગિત કરવા અપીલ કરી હતી. મુખ્યપ્રધાન કાર્યલાય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
આ આગાઉ પટનાયકે મંગળવારે કેન્દ્રીય શિક્ષા મંત્રાલયને પત્ર લખીને સપ્ટેમ્બરમાં આયોજીત થનારી JEE અને NEETની પરીક્ષાને સ્થગિત કરવા માટે અપીલ કરી હતી. પટનાયકે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસના કારણે વિદ્યાર્થીઓનું પરિક્ષા કેન્દ્ર જવું તે અસુરક્ષિત છે. JEE મેનની પરિક્ષા 1થી 6 સપ્ટેમ્બર અને NEETની 13 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
પટનાયકે પત્રમાં લખ્યું હતું કે,"ઓડિશા રાજ્યથી JEE મેનમાં 50 હજાર અને NEETમાં 40 હજાર બાળકો સામેલ થવાના છે. જો કે, NEET દ્વારા ફક્ત 7 શહેરોમાં જ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું જવું અસુરક્ષિત છે. આ સિવાય કેટલાક સ્થળો પર લોકડાઉન પણ લાગુ છે તેમજ રાજ્યનો મોટો આદિવાસી વિસ્તાર શહેરથી દૂર છે. તેથી આદિવાસી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે લાંબી યાત્રા કરવી પડશે. આ તમામ કારણોસર પરીક્ષા સ્થગિત કરવા અપીલ કરૂ છું. "
પટનાયકે કહ્યું કે, NTA જ્યારે પણ પરીક્ષા આયોજીત કરે, ત્યારે રાજ્યના તમામ 30 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર બનાવે જેથી વિદ્યાર્થીઓને આવવા અને જવા માટે 2થી 3 કલાકથી વધુ સમય ન લાગે.
આ આગાઉ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે સહિત કેટલાક નેતાઓએ NEET અને JEE ની પરીક્ષાઓને રદ્દ કરવા અપીલ કરી છે.