અરુણ જેટલી
1991માં ભાજપના રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બન્યા બાદ જેટલીને રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવક્તાની જવાબદારી આપી દીધી. પાર્ટીએ આ જવાબદારી 1991ની લોકસભા ચૂંટણી પહેલા અરુણ જેટલીને આપી હતી. રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા બાદ અરુણ જેટલીનું નસીબ એવું ચમક્યું કે, તેઓ વાજપેયીથી લઈ મોદીના સમયમાં પણ શક્તિશાળી પ્રધાન તરીકે ઊભરી આવ્યા.
1999માં અટલ બિહારી વાજપેયી સરકારમાં જેટલી સૂચના અને પ્રસારણ પ્રધાન સાથે રાજ્યકક્ષાના પ્રધાન પણ હતા. તો વળી મોદી સરકારમાં પહેલા કાર્યકાળ દરમિયાન નાણાપ્રધાન રહ્યા. ક્યારેય લોકસભાના સભ્ય ન રહેવા છતાં પણ તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે હંમેશા અસરકારક બની રહ્યા.
નિર્મલા સિતારમણ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂકેલા નિર્મલા સીતારમણે ઓછા સમયમાં ઘણી સફળતા મેળવી છે.ભાજપમાં ફક્ત 11 વર્ષના કેરિયરમાં તેમના ખાતામાં મોટી સફળતા આવી છે. વર્ષ 2014થી 2019 વચ્ચે તેમણે અનેક મોટા મંત્રાલયો સંભાળ્યા છે.2008માં જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે પાર્ટીએ તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા હતા. 2014માં મોદી સરકાર સત્તામાં આવી તો તેમને પહેલા ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી.બાદમાં રક્ષા જેવા સૌથી શક્તિશાળી મંત્રાલયની પણ જવાબદારી મળી. તેઓ મોદી સરકાર 2.0માં પણ નાણા પ્રધાન બની જવાબદારી સંભાળી રહ્યા છે.નિર્મલા સીતારમણ પણ રાજ્યસભાથી વાયા સંસદ પહોંચ્યા છે.
પ્રકાશ જાવડેકર
હાલમાં દેશના સૂચના અને પ્રસારણ તથા પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરનું નસીબ પણ પ્રવક્તા બન્યા બાદ ચમક્યું હતું. 2003માં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા બાદ પાંચ વર્ષે 2008માં પાર્ટીએ તેમને મહારાષ્ટ્રના રસ્તેથી રાજ્યસભા મોકલ્યા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પર્યાવરણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપ્યો અને સાથે સાથે સૂચના અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી પણ આપી. બાદમાં તેમને માનવ સંશાધન વિકાસ પ્રધાન બનાવ્યા.
સ્મૃતિ ઈરાની
ટીવી એક્ટ્રેસનું કેરિયર છોડી 2003માં ભાજપમાંથી રાજનીતિ શરુ કરનારા સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા બાદ સફળતા મળી. 2004માં ચાંદની ચૌકમાંથી પ્રથમ લોકસભા ચૂંટણી હાર્યા બાદ પડદા પાછળ જતાં રહ્યા હતા. પણ નિતીન ગડકરીના કાર્યકાળમાં તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા બનતા ફરી એક વાર સફળતાની સીડી ચડવા લાગ્યા. 2011માં તેઓ ગુજરાતથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. 2014માં મોદી સરકાર બનતા તેમને પહેલા માનવસ સંશાધન, સૂચના અને પ્રસારણ તથા કાપડ જેવા મંત્રાલયો મળ્યા. તો વળી વર્ષ 2019માં અમેઠીથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ મોદી સરકાર 2.0માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું.
અનિલ બલૂની
ભાજપ અધ્યક્ષ અમિત શાહની નજીકના અને ઉત્તરાખંડ સાથે સંબંધ રાખનારા અનિલ બલૂનીનું નસીબ પણ ત્યારે ચમક્યું જ્યારે તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા. 2014માં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા બાદ ત્રણ વર્ષ બાદ 2017માં પાર્ટીએ તેમને મીડિયા પ્રભારી બનાવ્યા. આગલા વર્ષે માર્ચ 2018માં ઉત્તરાખંડના રસ્તે રાજ્યસભામાં પહોંચ્યા.
સુધાંશુ ત્રિવેદી
હાલમાં હવે યુપીમાં અરુણ જેટલીના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની સીટ માટે ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા અને હાજર જવાબી નેતા સુધાંશુ ત્રિવેદીને ઉમેદવાર બનાવ્યા છે. હાલમાં જ પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો આ સીટ પરથી સુધાંશુ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.