પટણા: સરકારે તાજેતરમાં જ 13 ડૉક્ટરોને આરોગ્ય ક્ષેત્રે તેમની ઉમદા સેવા બદલ પદ્મ પુરસ્કારોથી નવાજ્યાં છે. બિહારમાં મહિલા આરોગ્યના પાયોનિયર્સમાંસ્થાન ધરાવતાં ડૉ. શાંતિ રાયને ચિકિત્સા ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં છે. ગાયનેકોલોજીનાં નિષ્ણાત ડૉ. શાંતિ રાય ઘણાં સંતાનવાચ્છુ માતા-પિતા માટે સંતાનસુખનો અનુભવ કરવાનું નિમિત્ત બન્યાં છે. ડૉ. શાંતિએ તેમનું જીવન મહિલાઓના કલ્યાણને વેગ આપવા અને તેમના માટે સામાજિક જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત કર્યું છે.
ETV BHARAT સાથે વાત કરતાં ડૉ. શાંતિ રાયે જણાવ્યું હતું કે, "મેં ઘણી મહેનત કરી છે અને એક મહિલા તરીકે, હું અન્ય લોકોની પીડા, સમસ્યાઓ તથા મૂંઝવણ સમજી શકું છું અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવું છું. કેટલીક વખત કૌટુંબિક સમસ્યાઓને કારણે આરોગ્યના પ્રશ્નો ઊભા થતા હોય છે."
ડૉ. શાંતિ રાય વિશે
- પદ્મશ્રી વિજેતા ડૉ. શાંતિ રાય બિહારના ગોપાલગંજ જિલ્લાનાં રહેવાસી છે.
- તેમણે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (પીએમસીએચ)થી એમબીબીએસ સંપન્ન કર્યું હતું અને તેમણે પીએમસીએચના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સેવા બજાવી છે.
- ડૉ. શાંતિને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં છે.
- પટણાના શ્રેષ્ઠ ગાયનેકોલોજિસ્ટ તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
- સંતાનવિહોણાં દંપતીઓ માટે શ્રેષ્ઠ કાઉન્સેલર
ડૉ. શાંતિને સંતાનવિહોણાં દંપતીઓ માટેના શ્રેષ્ઠ સલાહકાર ગણવામાં આવે છે. આવા દંપતીઓ માટે ડૉ. શાંતિ અન્ય વિકલ્પો અપનાવે છે. તેમણે સરોગસી અથવા ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) દ્વારા વંધ્યત્વના ઘણા કેસ નોંધપાત્ર રીતે ઉકેલ્યા છે. અન્ય સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોથી અલગ, શાંતિએ તેમનાં દર્દીઓ માટે ઘણી ઓછી ફી રાખી છે.
પદ્મશ્રી મેળવવા અંગે પ્રતિક્રિયા આપતાં શાંતિએ જણાવ્યું હતું કે, "મેં કદી કલ્પ્યું નહોતું કે મને આવો પુરસ્કાર પ્રાપ્ત થશે. મેં જે પણ કર્યું, તે એક ડૉક્ટર તરીકેની મારી ફરજ હતી. ભારત સરકારે મને આ એવોર્ડ મેળવવા માટે યોગ્ય ગણી, તે મારા માટે ઘણા ગૌરવની ક્ષણ છે."આ અનુભવી ડૉક્ટર તમામ યુવાન ડૉક્ટરોને પ્રમાણિકતા સાથે ખંતપૂર્વક ફરજ બજાવવાની સલાહ આપે છે.