23 મેના રોજ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મુસ્લિમ પરિવારને ત્યાં બાળકનો જન્મ થયો હતો. બાળકની માતાએ પોતાના દિકરાનું નામ નરેન્દ્ર મોદી રાખ્યું છે. નામ રાખવા પાછળની વાત ખુબ જ રસપ્રદ છે.
બાળકની માતા મહેનાજે જણાવ્યું કે, “આ ખુશખબરી તે દુબઈમાં રહેતા પોતાના પતિને આપી રહી હતી, દરમિયાન તેના પતિએ પૂછ્યું કે, 'શું નરેન્દ્ર મોદી જીતી ચુક્યા છે?' આ પછી મેં મારા પુત્રનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી રાખવાનો નિર્ણય લીધો હતો.”
મેહનાજે જણાવ્યું કે, “પુત્રનું નામ નરેન્દ્ર મોદી રાખવા માટે પતિ અને પરિવાર સાથે જીદ કરી અને તેની પર સહમતિ મળી. મેહનાજે વધુમાં કહ્યું કે, નામકરણનો દસ્તાવેજ બનાવીને તેને જિલ્લાધિકારીના કાર્યાલયમાં જમા કરાવી દીધો છે. મેહનાજ વડાપ્રધાન મોદીથી ઘણી પ્રભાવિત છે. મોદીના વિજયની સાથે ઘરમાં પુત્રનો જન્મ થતાં તેમની ખુશી બમણી થઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વજીરગંજના પરસાપુર મેહરૌર ગામમાં રહેતા ઈદરીસે જણાવ્યું કે તેમનો પુત્ર મુશ્તાક દુબઈમાં કામ કરે છે. ઈદરીસે વધુમાં કહ્યું કે 23 મેના રોજ તમામની નજર લોકસભા ચૂંટણીના પરિામ પર હતી. તે જ દિવસે મેહનાજને પુત્ર થયો અને હું દાદા બન્યો.
પરિવારનો મુખ્ય સદસ્ય તરીકે ઈદરીસે કહ્યું કે તેમને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનતા ઘણી ખુશી છે. તે જ ખુશી તેમના ઘરમાં પૌત્રનો જન્મ થતાં બમણી થઈ ગઈ. ઈરદીસે કહ્યું કે મેહનાજને પહેલા બે દિકરીઓ હતી અને હવે નરેન્દ્ર મોદીનો જન્મ થયો છે.ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામ અને કામ પર દેશની પ્રજાએ ભાજપને પ્રચંડ બહુમત આપ્યો છે. આ વખતે પ્રજાને નરેન્દ્ર મોદી પાસે ઘણી અપેક્ષાઓ છે. 23 મેના રોજ આવેલા પરિણામોમાં ભાજપે પોતાના બળ પર 300નો આકડો પાર કર્યો છે.