ભુવનેશ્વર: ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સોમવારે કોરોના ચેપથી મોતને ભેટેલા શ્રમજીવી પત્રકારોના પરિવારો માટે 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઘોષણા મુજબ, જો કોઈ પત્રકારનું કોરોનાને કારણે મોત થયું હોય તો, પત્રકારના પરિવારોને 15 લાખ રૂપિયાની વીમા રકમ આપવામાં આવશે.
મુખ્યપ્રધાન નવીન પટનાયકે સત્તાવાર પત્રમાં લખ્યું કે, ઓડિશામાં COVID-19 સામેની લડાઇમાં મીડિયાનું યોગદાન એક પ્રશંસાનીય બાબત છે. લોકોની સલામતી અને જાગૃતિ ફેલાવવા માટે પત્રકારો સખત મહેનત કરી રહ્યાં છે. આવી અંધકારમય પરિસ્થિતિમાં જો કોઈ પત્રકારનું વાઇરસથી મોત થાય છે, તો રાજ્ય સરકાર તેમના પરિવારને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓડિશાના મુખ્યપ્રધાને આ અગાઉ કોરોના વાઇરસમાં ડોકટર્સ અને આરોગ્ય કર્મચારીઓનાં મોત પર 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.