હૈદ્રાબાદ: સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, કોવિડ-19 મહામારીની મેદસ્વી લોકો પર નોંધપાત્ર વિપરિત અસર પડી રહી છે, કારણ કે તેમણે તેમના વજન અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન સાધવા માટે સંઘર્ષ કરવો પડે છે.
ક્લિનિકલ ઓબેસિટી જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ માટે સંશોધક ટીમે વેઇટ મેનેજમેન્ટના 123 દર્દીઓનો સર્વે હાથ ધર્યો હતો અને માલૂમ પડ્યું હતું કે, આશરે 73 ટકા દર્દીઓની વ્યગ્રતામાં વધારો થયો હતો અને 84 ટકા જેટલા દર્દીઓના ડિપ્રેશનમાં વધારો થયો હતો.
દરેક વ્યક્તિને સંક્રમણથી બચવા માટે ઘરમાં રહેવાનું જણાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને વધુ પડતી મેદસ્વીતા ધરાવનારા લોકો માટે આ જરૂરી હતું, કારણ કે કોરોનાવાઇરસના કારણે તેમને આરોગ્યની ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે અને આ સંક્રમણને કારણે મોતના જોખમની પણ ઊંચી શક્યતા રહે છે. તેમ હ્યુસ્ટન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસનાં સારાહ મેસિઆહે જણાવ્યું હતું.
અભ્યાસનો ડેટા 15મી એપ્રિલથી 31મી મે દરમિયાન હાથ ધરાયેલી ઓનલાઇન પ્રશ્નોત્તરીના આધારે મેળવવામાં આવ્યો હતો. સહભાગીઓની સરેરાશ વય 51 હતી અને તેમાંથી 87 ટકા ઉત્તરદાતાઓ મહિલા હતી.
અભ્યાસનાં તારણો દર્શાવે છે કે, આશરે 70 ટકા લોકોને વજન ઊતારવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં વધુ મુશ્કેલી પડી હતી, જ્યારે 48 ટકા લોકોને કસરત કરવા માટે ઓછો સમય મળ્યો હતો અને 56 ટકા લોકોની કસરતમાં ઓછી તીવ્રતા જોવા મળી હતી. લગભગ અડધો-અડધ દર્દીઓમાં આહારનો સંગ્રહ કરવાના વલણમાં વધારો થયો હતો અને 61 ટકા દર્દીઓમાં તણાવના કારણે ભોજન કરવાનું વલણ જોવા મળ્યું હતું.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બે દર્દીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ 15 ટકા દર્દીઓમાં આ વાઇરસનાં લક્ષણોએ દેખા દીધી હતી. આશરે 10 ટકા દર્દીઓએ તેમની નોકરી ગુમાવી હતી અને 20 ટકાએ જણાવ્યું હતું કે, તેમને સંતુલિત આહાર પરવડતો ન હતો.
"આ અભ્યાસનું એક સબળ પાસું એ છે કે, કોવિડ-19 મહામારીએ મેદસ્વીપણાના દર્દીઓના આરોગ્યને તથા તેમની વર્તણૂંકને કેવી રીતે પ્રભાવિત કર્યાં છે, તેની ડેટા સાથેની વિગતો આપતા પ્રથમ અભ્યાસોમાં તેનો સમાવેશ થાય છે," તેમ અભ્યાસના લેખક જેઇમ અલ્માન્ડોઝે જણાવ્યું હતું.
અલ્માન્ડોઝે નોંધ્યું હતું કે, મેદસ્વીતાના ઘણા દર્દીઓઅગાઉથી જ યોગ્ય તાજા અને આરોગ્યપ્રદ ખોરાકની પ્રાપ્યતા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કેટલાક દર્દીઓ કરિયાણાની દુકાનો ન હોય તેવા વિસ્તારોમાં રહેતા હતા, જ્યાં માત્ર ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડના વિકલ્પો જ ઉપલબ્ધ હોય છે.
"ડાયાબિટીસની તપાસ ન થવી, હાઇપર ટેન્શન તથા મેદસ્વીતા સંબંધિત અન્ય બિમારીઓ જરૂરિયાતોનો વ્યાપક ખડકલો ઊભો કરશે, જે અમારી પરેશાનીમાં વધારો કરશે," તેમ અલ્માન્ડોઝે જણાવ્યું હતું.
"જ્યારે તમે સોશ્યલ આઇસોલેશનની સાથે-સાથે નોકરી ગુમાવવી અને ઇન્શ્યોરન્સ કવરેજના અભાવ જેવી સમસ્યાઓથી ઘેરાઇ જાઓ છો, ત્યારે સમજવું કે સંભવિત આપત્તિ આવી પડવાની છે," તેમ લેખકોએ લખ્યું હતું.
સંશોધકોનું માનવું છે કે, તેમનું કાર્ય ક્લિનિશિયન્સને તથા અન્ય આરોગ્ય પ્રોફેશનલ્સને મેદસ્વીતા ધરાવતા પુખ્ત લોકોમાં કોવિડ-19ને કારણે થતી શારીરિક તથા મનો-સામાજિક આરોગ્ય અસરોને ઘટાડવા માટેની અસરકારક રણનીતિઓ અંગે માહિતગાર કરી શકે છે.
BMJ જર્નલમાં ગયા મહિને પ્રકાશિત થયેલા અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, વય, પુરુષ જાતિ, મેદસ્વીતા તથા અગાઉથી મોજૂદ બિમારી – આ તમામ ગંભીર કોવિડ-19 અથવા મોત માટેનાં જોખમી પરિબળો તરીકે ઊભરી આવ્યાં છે.