જયપુર: રાજસ્થાન યુનિવર્સિટી આજે ABVP અને NSUIના વિદ્યાર્થી સંગઠન માટે વિરોધનો અખાડો બની ગયો હતો. બંને વિદ્યાર્થી સંગઠનોએ આજે અહીં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.સુબ્બૈયા પર એક મહિલા દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવતા એફઆઈઆર નોંધાવી હતી. આ મામલે એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પર દેખાવો કર્યા હતા.
એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ અભિષેક ચૌધરીએ જણાવ્યું હતું કે, એબીવીપીનું કામ હંમેશા લોકોના અવાજને દબાવવાનું જ રહ્યું છે. એબીવીપીએ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ મહિલા સતામણીના કેસની તપાસ માટે એક સમિતિની રચના કરવી જોઈતી હતી, આમ કરવાને બદલે તેઓ મહિલાઓના અવાજને દબાવવા પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ એનએસયુઆઈ પર ખોટા મુદ્દાઓ પર રાજકારણનો આરોપ લગાવતા, વિરોધમાં દેખાવો શરૂ કર્યા. એબીવીપીએ કહ્યું કે, રાજસ્થાન યુનિવર્સિટી એક શૈક્ષણિક સંસ્થા છે. જ્યાં આવા ખોટા આક્ષેપો સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પારિવારિક મામલો હતો, જેનો કોર્ટમાં સમાધાન પણ કરવામાં આવ્યો છે. અને હવે એનએસયુઆઈ ખોટા મુદ્દાઓ પર પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓને મૂંઝવણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.
બંને વિદ્યાર્થી સંગઠનો દ્વારા એકબીજા સામે આક્ષેપો લગાવતા મામલો ઉગ્ર બનતા ત્યાં, હાજર પોલીસે વિદ્યાર્થીઓને અલગ કરી મામલો થાળે પાડ્યો હતો. જો કે લગભગ 1 કલાક સુધી બંને તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, વિદ્યાર્થી સામાજિક અંતર પણ ભૂલી ગયા હતા.