નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ પ્રારંભિક પરીક્ષામાં દિવ્યાંગોને કાયદાકીય અનામત નહીં આપવા વિરુદ્ધ દાખલ કરેલી અરજીની સુનાવણીની નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે યુપીએસસી અને કેન્દ્ર સરકારને 31 ઓગસ્ટ સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.
યાચિકા સંભાવના સોસાયટી દ્વારા આ અરજી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, UPSCની પ્રિલિમ પરીક્ષા માટે જાહેર કરાયેલા જાહેરનામામાં નિમણૂકોનો સચોટ આંકડો જણાવવામાં આવ્યો નથી. તેના બદલે, સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, સંભવિત એપોઇન્ટમેન્ટ 796 પદ હશે. આવી સ્થિતિમાં દિવ્યાંગ કેટેગરી માટેના 4 ટકા પદોની ગણતરી અશક્ય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યુપીએસસીના જાહેરનામામાં શક્ય નિમણૂકો જેવા શબ્દોનો ઉપયોગ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે.
અરજીમાં જણાવાયું છે કે, સંભવિત નિમણૂક જેવા શબ્દોને સ્વીકારવામાં આવે તો પણ 796 નિમણૂંક મુજબ 32 બેઠકો જુદા જુદા દિવ્યાંગ ઉમેદવારો માટે હોવી જોઈએ. પરંતુ જાહેરનામામાં દિવ્યાંગો માટે 24 બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ એક ગંભીર ભૂલ છે. અરજીમાં જણાવાયું છે કે, મંત્રાલયો દ્વારા પૂછવામાં આવતાં વિકલાંગો માટેની બેકલોગ એપોઇન્ટમેન્ટ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. દિવ્યાંગ માટેની બેકલોગ એપોઇન્ટમેન્ટ અંગે યુપીએસસીના જાહેરનામામાં પણ કોઈ ચર્ચા થઈ નથી.