- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પૂર્વોત્તરના 3 દિવસીય પ્રવાસે
- ગુવાહાટીમાં અમિત શાહે એક રેલીમાં સંબોધન કર્યું
- સરકાર સાથે ચર્ચા કરો અને સમસ્યા સમાધાનનું નિરાકરણ લાવો
આસામ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પૂર્વોત્તરના 3 દિવસીય પ્રવાસે છે. શનિવારે આસામના ગુવાહાટીમાં અમિત શાહે એક રેલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમુક લોકો કૃષિ કાયદાને કારણે આંદોલન કરી રહ્યા છે. હું આ પ્રસંગે સૌને અપીલ કરી રહ્યો છું કે, તમે મુખ્યધારામાં આવો અને સરકાર સાથે ચર્ચા કરો અને સમસ્યા સમાધાનનું નિરાકરણ લાવો.
આસામ સરકારની પ્રસંશા કરતા અમિત શાહએ જણાવ્યું હતું કે, મને ખુશી થાય છે કે, શ્રીમંત શંકરદેવનું જન્મસ્થાન હતું, જેના પર ઘુસણખોરોએ કબ્જો જમાવ્યો હતો. તેને ખાલી કરાવી શંકર દેવની મહાન સ્મૃતિને દિર્ધકાળ સુધી સ્થાયી કરવાનું કામ આસામ સરકારે કર્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી આસામની આરોગ્ય સેવાઓ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આસામમાં લગભગ 15 લાખ અસ્થાયી અને 5થી 10 લાખ સ્થાયી વસ્તી માટે આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.
આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના વિકાસને કેન્દ્રમાં રાખીને 6 વર્ષ સરકાર ચલાવી છે. મને વિશ્વાસ છે કે, અમારી સરકાર ભવિષ્યમાં પણ આ જ પ્રકારે પૂર્વેત્તરની સેવા કરતી રહેશે. આ પહેલા 5 વર્ષમાં વડાપ્રધાન ક્યારેક ક્યારેક પૂર્વોત્તર આવતા હતા, પરંતુ વડાપ્રધાન મોદીએ 6 વર્ષમાં 30 વાર પૂર્વોત્તરની મુલાકાત લીધી છે.
ખેડૂત આંદોલન વિશે વાત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, અહિંયા બધા રાજ્યો અલગતાવાદી એજેન્ડા સાથે ચાલતા હતા. યુવાનોના હાથમાં હથિયાર પકડાવતા હતા. આજે એ બધા સંગઠનો મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ ગયા છે અને આજે યુવા વર્ગ પોતાના સ્ટાર્ટઅપ સાથે સમગ્ર વિશ્વના યુવા સાથે સ્પર્ધા કરી પોતાનો અને દેશના વિકાસનો ભાગીદાર બની રહ્યો છે.
મને જણાવતા આનંદ થાય છે કે, દેશમાં કોરોનાનો સામનો કરવામાં આસામ સૌથી આગળ છે. આ સાથે ટેસ્ટિંગમાં પણ આસામ આગળ છે. આસામમાં કોરોના મૃત્યુદર પણ 0.47 ટકા છે, તેમ અમિત શાહે જણાવ્યું હતું.