નવી દિલ્હી/નોઇડા: દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી અસરકારક માર્ગ સાબિત થઈ રહ્યું છે અને તેને સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યું છે. પરંતુ અમુક સંજોગોમાં સામાજિક અંતર જાળવવું અઘરું થઇ પડે છે.
નોઇડાની એપીજે સ્કૂલના વિદ્યાર્થી પાર્થ બંસલે લોકડાઉનના સમયમાં એક ડિવાઇસ ડિઝાઇન કર્યું છે. જેને લોકો સામાજિક અંતરને અનુસરવા માટે પહેરી શકે છે. આ એક અલ્ટ્રાસોનિક સેન્સર મશીન છે. જેને હાથમાં પહેર્યા બાદ કોઇ વ્યક્તિના એક મીટરના અંતરમાં જો કોઇ બીજી વ્યક્તિ આવે તો તરત જ એલાર્મ વાગશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે. આ મશીન પહેરનાર વ્યક્તિને મશીન ચેતવણી આપશે કે સામાજિક અંતર સમાપ્ત થઈ રહ્યું છે.
પાર્થ કહે છે કે, લોકડાઉન દરમિયાન તે એક દિવસ ઘર માટે જરૂરી સામગ્રી લેવા દુકાનમાં ગયો હતો. જ્યાં તેણે જોયું કે લોકો સામાજિક અંતરને અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેને મેઇન્ટેઇન કરી શકતા નથી. તેથી તેણે આ સાધન બનાવવાનો વિચાર કર્યો અને તે એક દિવસમાં તૈયાર પણ થઈ ગયું. આ સાધનની કિંમત 600થી 700 રૂપિયા સુધીની રાખવામાં આવી છે.