પત્રકાર પ્રિયા રમાણીએ દિલ્હીની કોર્ટમાં કહ્યું કે મીટૂ આંદોલન દરમિયાન પૂર્વ કેન્દ્રિય પ્રધાન એમ. જે. અકબર સામે યૌન ઉત્પીડનના આક્ષેપ લગાવવા પાછળ તેમનો કોઈ ખોટો ઉદ્દેશ્ય નથી.
રમાણીએ અકબર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્ન દરમિયાન મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પાહૂઝા સમક્ષ આ વાત કરી.
ગયા વર્ષે 17 ઓક્ટોબરે કેન્દ્રીય પ્રધાનના પદ પરથી રાજીનામુ આપનાર અકબરે મીટૂ આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાનુ નામ લેવાતા રમાણી વિરૂધ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે રમાણીએ કહ્યું, મારા દ્વારા મૂકાયેલા આક્ષેપ મનઘડત અને કાલ્પનિક છે તેમ કહેવું યોગ્ય નથી. આરોપી સામે કરેલા આક્ષેપ મહિલાઓને સશક્ત બનાવવા નહીં પણ કોઈ અન્ય હેતુથી લગાવ્યા છે તે માન્યતા પણ ખોટી છે. અકબર સામે મારા ટ્વીટથી તેમનું અપમાન થાય કે ભાવનાને ઠેસ પહોંચે તેવું નહોતુ.
ન્યાયાલયે પ્રિયા રમાણીના નિવેદન નોંધ્યા બાદ આગળની સુનાવણી માટે 10 ડિસેમ્બરની મુદ્દત આપી છે.