નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને આસામમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આખો દેશ આસામ સાથે છે. આસામના લોકો તેમના હિંમતવાન સ્વભાવથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને આ દુર્ઘટનામાંથી બહાર આવશે. કોંગ્રેસ કાર્યકરોને અપીલ છે કે, શક્ય હોય એટલી મદદ કરવા માટે તૈયાર રહે."
આસામના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યના 28 જિલ્લામાં આશરે 36 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સત્તાવાર બુલેટિનમાં જણાવવામાં આવ્યુ છે કે, રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આ વર્ષે વધીને 102 થઈ ગઈ છે અને પૂરને લગતી ઘટનાઓમાં 76 લોકોનાં મોત થયાં છે, જ્યારે 26 લોકોનાં મોત ભૂસ્ખલનથી થયાં છે. શુક્રવારે આસામમાં પૂરની પરિસ્થિતિ ગંભીર બની હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરગ્રસ્ત 36 લાખ લોકોમાંથી આશરે 22 લાખ લોકો ચાર જિલ્લાના છે. જેમાં ધુબરી (8,92,109), ગોલપારા (4,43,768), બારપેટા (4,29,708 ) અને મોરીગાંવ (4,24,541) છે.
વનવિભાગ અને એએસડીએમએ અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, પૂરમાં લગભગ 86 પ્રાણીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે વિશ્વનાં પ્રખ્યાત કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનો 95 ટકા પૂરમાં ડૂબી ગયા પછી 125 પશુઓને બચાવી લેવામાં આવ્યાં છે. આ બગીચામાં 2,200થી વધુ એક શિંગડા વાળા ભારતીય ગેંડોઓનું ઘર હતું.