નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીને એક ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર ઈસમે તેમને પોતે ગૃહપ્રધાન અમિત શાહના આસિસ્ટન્ટ અભિષેક દ્વિવેદી વાત કરી રહ્યો હોવાનું જણાવી મધ્યપ્રદેશના બે RTOના ટ્રાન્સફરની માગ કરી હતી.
આ અંગે નીતિન ગડકરીને શંકા જતા તેમણે તેમની ઓફિસમાં આ અંગે તપાસના આદેશ આપ્યા હતા જે દરમિયાન તેમને જાણ થઇ હતી કે ગૃહ મંત્રાલય તરફથી એવો કોઈ ફોન કરવામાં આવ્યો નથી પરંતુ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્હી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી.
નીતિન ગડકરીને જે નંબરથી ફોન કરવામાં આવ્યો તે ઇન્દોરનો હોવાની માહિતી મળતા પોલીસની ટીમને ઇન્દોર મોકલી આરોપીને પકડી પાડવામાં આવ્યો. હાલ પોલીસ દ્વારા તેને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે જ્યાં તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ આ શખ્સ આ રીતે અનેકવાર બનાવટી ઓળખ આપી અનેક સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી ચુક્યો છે. તેના વિરુદ્ધ અન્ય ઘણા કેસ ચાલી રહ્યા છે જેને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.