નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટે 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા ફટાકરી હતી. જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે તિહાડ જેલના પ્રશાસકોએ દોષિતોને તેમની છેલ્લી ઈચ્છા પૂછી છે. જેલ પ્રશાસકે દોષિતોને નોટીસ આપીને પૂછ્યું હતું કે, ફાંસી પહેલા તેઓ છેલ્લીવાર કોને મળવા માંગે છે?, તેમના નામે કોઈ પ્રોપ્રટી છે? શું તેને તે કોઈના નામે ટ્રાન્સફર કરવા માંગે છે?, કોઈ ધર્મપુસ્તક વાંચવા માંગે છે કે, ધર્મગુરૂને બોલવવા માંગે છે? જો આમાંથી તેઓની કોઈ ઈચ્છા હોય તેને 1 ફેબ્રુઆરી પહેલા પૂરી કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, ચારેય દોષિત પૈકી એકે મરવાના ડરથી ખાવાનું પણ છોડી દીધું છે. જ્યારે બીજાએ પણ ખાવાનું ઓછું કરી દીધું છે. નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીએ આ ચાર દોષિતોને સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. જો આ દરમિયાન મુકેશ ઉપરાંત કોઈ દોષિતે દયા અરજી કરી તો આ મામલો ફરી આગળ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાર પૈકી એક દોષી મુકેશે પોતાનો જીવ બચાવવા કાયદીય રસ્તો અપનાવ્યો હતો. દયા અરજી પણ કરી હતી. જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી હતી.