નવી દિલ્હીઃ નિર્ભયા કેસના આરોપીઓની ફાંસીનો માર્ગ મોકળો બની ગયો છે. સુપ્રીમ કોર્ટે આરોપી મુકેશની અરજી નકારી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય ગુનેગારો માટે 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યું હતું.
મહત્વનું છે કે નિર્ભયાના કેસમાં આરોપી મુકેશે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટ તરફથી મુકેશ માટે નિયુક્ત પૂર્વ એમિક્સ ક્યૂરી એટલે કે પૂર્વ વકીલ વૃંદા ગ્રોવરે મુકેશ પર દબાવ નાખી તેની ક્યૂરેટિવ અરજી જલદી દાખલ કરાવી હતી, જ્યારે આ અરજી દાખલ કરવા માટે મુકેશની પાસે હજુ ઘણો સમય બાકી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુકેશને ફરીથી ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક જુલાઈ 2021 સુધી આપવામાં આવે. સાથે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરવાની વધુ એક તક આપવામાં આવે.
અરજીમાં વકીલ વૃંદા ગ્રોવર પર મુકેશ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવા અને વિશ્વાસ ઘાત કરવાની કલમ હેઠળ કેસ ચલાવવાની માગ કરવામાં આવી હતી. આ અરજી મુકેશના વકીલ મનોહર લાલ શર્માએ દાખલ કરી હતી.
મહત્વનું છે કે આ પહેલા નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓના પરિવારજનોએ નવો દાવ ચાલ્યો હતો. ચારેય આરોપીઓના પરિવારજનોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગ કરી હતી. કુલ 13 લોકોએ રાષ્ટ્રપતિ પાસે આ માગ કરી હતી. તેમાં મુકેશના પરિવારના 2, પવન-વિનયના 4-4 અને અક્ષયના પરિવારના 3 સભ્યો સામેલ છે. પરંતુ કાયદાકીય પત્રમાં તેનો કોઈ અર્થ નથી અને કાયદામાં એવી ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઇ નથી.