સુરક્ષાના કારણે તમામ 4 આરોપીને વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન નિર્ભયાના વકીલે કહ્યું કે, ફાંસીની તારીખ નક્કી થવી જોઈએ. દયા અરજી દાખલ કરવાને ડેથ વોરન્ટ જાહેર કરવા સાથે કોઈ લેવા દેવા નથી. દયા અરજી દાખલ કરવા માટે ડેથ વોરન્ટ રોકી શકાતો નથી.
નિર્ભયાના વકીલે કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવા જઇ રહ્યું હોઈ, તો તેઓ ડેથ વોરન્ટ સ્થગિત અથવા સ્ટે કરી શકે છે. બીજા 3 આરોપીની પુનર્વિચાર ફગાવી દીધી છે. તેમને ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવાનો કોઈ અધિકાર નથી.
આ અંગે જજે કહ્યું કે, હજૂ સુધી પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યાં સુધી આ કોર્ટ ડેથ વોરન્ટ જાહેર ન કરી શકે. નિર્ભયાના વકીલે યાકૂબ મેમન કેસનો હવાલો આપ્યો. આ અંગે જજે કહ્યું કે, યાકૂબ મેમન કેસમાં કોઈ પુનર્વિચાર અરજી પેન્ડિંગ નહોતી.
માતાએ પૂછ્યું હતું- આરોપીને ક્યારે ફાંસી થશે
નિર્ભાની માતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે, આરોપીને ફાંસી ક્યારે આપવામાં આવશે. 16 ડિસેમ્બરે નિર્ભયાના આરોપીને ફાંસી આપવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે વાત તો નક્કી છે કે, નિર્ભયાના એક આરોપીને 17 ડિસેમ્બર સુધી ફાંસી નહીં મળે.
અક્ષયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પુનર્વિચાર અરજી
નિર્ભયાના એક આરોપી અક્ષય કુમાર સિંહે પોતાની ફાંસી વિરૂધ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 18 ડિસેમ્બરના રોજ સુનાવણી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ બાદ નિર્ભયાના આરોપીની ફાંસીની માગમાં વધારો થયો છે.