નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામેની લડત વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર હાલની સ્થિતિ પર નિર્ભર રહેશે. હાલમાં જ રાજ્યસભા સભ્યોની સાથે વાતચીતમાં સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ કહ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને નાથવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પરિણામ પણ દેખાઇ રહ્યું છે. તેવામાં સંસદમાં સામાન્ય કાર્યક્રમની આશા કરી શકાય છે, પરંતુ જમીની વાસ્તવિક્તા શું હશે, તેના પર સત્ર નિર્ભર રહેશે.
વધુમાં જણાવીએ તો સંસદમાં દર વર્ષે 3 સત્ર હોય છે. બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્ર. આ વર્ષે બજેટ સત્રને કોરોના વાઇરસને કારણે અને લૉકડાઉનને લીધે બંધ રાખવામાં આવ્યું હતું.
સભાપતિએ રાજ્યસભાના સભ્યો સાથે કરી વાતચીત
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ફોન પર નવનિર્વાચિત સભ્યો સહિત લગભગ તમામ રાજ્યસભા સભ્યો સાથે વાત કરી હતી. તે જાણીને ખુશી થઇ કે, કોરોના સામે રાષ્ટ્રીય લડાઇમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે અને પોતાના નિર્વાચન ક્ષેત્રોમાં કલ્યાણકારી ગતિવિધિઓમાં જોડાયા છે.
જુલાઇમાં શરુ થનારા સંસદના ચોમાસુ સત્રમાં પણ માસ્ક અને અંતરની અનિવાર્યતા નક્કી થશે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, લોકસભામાં 545 સભ્યો અને રાજ્યસભાના 243 સાંસદોની વચ્ચે અંતર કઇ રીતે રહી શકે, કારણ કે લોકસભામાં અને રાજ્યસભામાં જેટલા સાંસદ છે તેટલી જ સીટો છે. તેવામાં સંસદ કઇ રીતે સામાજિક અંતરનું પાલન કરી શકે.
મળતી માહિતી મુજબ આ દિશામાં વિચાર કરીને એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જો ચોમાસુ સત્ર સુધી સોશિયલ ડિસ્ટન્સિંગની જરુરિયાત રહી તો તેવામાં લોકસભાની કાર્યવાહી સેન્ટ્રલ હોલમાં કરવામાં આવી શકે છે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહીને સ્થળાંતરિત કરીને લોકસભામાં લઇ આવી શકાય તેમ છે.