નવી દિલ્હી. દિલ્હી હાઈકોર્ટ અને દિલ્હીની નીચલી અદાલતોની કામગીરી 31 મે સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર મનોજ જૈનના હસ્તાક્ષર હેઠળ જાહેર કરાયેલા આદેશથી આ નિર્ણય લેવાયો છે.
ગત 16 મેથી 23 મે સુધી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 22 મેથી, હાઈકોર્ટ હવે જરૂરી કેસની દૈનિક સુનાવણી કરશે. 22 મેથી તમામ ડિવિઝન બેંચ અને સિંગલ બેંચના મામલાની વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી થશે. અત્યારસુધીમાં હાઈકોર્ટ બે ડિવિઝન બેન્ચ અને દસ સિંગલ બેંચની સુનાવણી કરી રહી છે. 22 મેથી 7 ડિવિઝન બેંચ અને 19 સિંગલ બેંચની સુનાવણી કરવામાં આવશે.
અગાઉના આદેશ પ્રમાણે નીચલી અદાલતો ચાલુ રહેશે
હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, નીચલી અદાલતો અગાઉની ગાઇડલાઈન્સ પ્રમાણે જામીન, સ્ટે, વગેરે મહત્વપૂર્ણ બાબતોની સુનાવણી ચાલુ રાખશે. દિલ્હી હાઈકોર્ટે 2 મેના રોજ કોરોનાને કારણે લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ 17 મે સુધી હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય પણ કર્યો હતો.
તે પહેલાં 15 એપ્રિલના રોજ, જ્યારે હાઇકોર્ટે 3 મે સુધી કામ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે નીચલી અદાલતોના તમામ જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશોએ તેમને સિસ્કો વેબએક્સ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ કરવાની સૂચના આપી હતી.
હાઈકોર્ટે જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશોને મહત્વપૂર્ણ કેસોની સુનાવણી માટે માર્ગદર્શન આપવાની પદ્ધતિ અંગેની પોતાની મિકેનિઝમ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું.