ભોપાલ : કોંગ્રેસ પક્ષને મધ્યપ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. અહીં નેપાનગર કોંગ્રેસના ધારાસભ્ય સુમિત્રા દેવી કાસડેકરે વિધાનસભાની સદસ્યતાથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા સચિવાલય દ્વારા સુમિત્રા દેવીના રાજીનામાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. પેટા ચૂંટણી પહેલા ધારાસભ્ય સુમિત્રા દેવીના રાજીનામાને કારણે કોંગ્રેસ પક્ષ માટે મોટો ઝટકો છે. સુમિત્રા દેવીના રાજીનામાથી મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 90 થઈ ગઈ છે. હવે રાજ્યની 26 બેઠકો ખાલી થઈ ગઈ છે.
રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના વાઇરસના ચેપને કારણે 20 જુલાઇથી શરૂ થનારા પાંચ દિવસીય મધ્યપ્રદેશ વિધાનસભાના સત્રને સ્થગિત કરવામાં આવ્યું છે. વિધાનસભાના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે અહીં મધ્યપ્રદેશના વિધાનસભા અધ્યક્ષ રામેશ્વર શર્માની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આ બેઠકમાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ, સંસદીય બાબતોના પ્રધાન નરોત્તમ મિશ્રા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિ, પૂર્વ પ્રધાન સજ્જનસિંહ વર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.