દુનિયાભરમાં 180 કરોડ યુવાનો છે, જેમની ઉંમર 10થી 24 વર્ષની છે. ભારતમાં 10થી 24 વય જૂથમાં સૌથી વધુ 35.6 કરોડ યુવાનો છે. 26.9 કરોડ સાથે ચીન બીજા નંબરે છે, જ્યારે તે પછી છે ઇન્ડોનેશિયા (6.7 કરોડ), અમેરિકા (6.5 કરોડ), પાકિસ્તાન (5.9 કરોડ), નાઇજીરિયા (5.7 કરોડ), બ્રાઝીલ (5.1 કરોડ) અને બાંગ્લાદેશ (4.8 કરોડ) એમ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડનો રિપોર્ટ જણાવે છે.

સૌથી ઝડપતી વિકસતા અર્થતંત્ર ભારતમાં વિશ્વના 19 ટકા યુવાનો છે. દેશ માટે તે સૌથી મૂલ્યવાન મૂડી છે અને આશા છે. પરંતુ માનવધનના વિકાસમાં ધ્યાન નહિ અપાય તો તક હાથમાંથી સરી જશે. ભારતમાં અર્થતંત્ર, વસતિ, સામાજિક અને ટેક્નોલૉજીમાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે વિકાસમાં સમાજના સૌ વર્ગને હિસ્સો મળે તે જરૂરી છે.
યુવાનો ઉત્પાદક રીતે અર્થતંત્રમાં હિસ્સો બની શકશે તો જ ભારત વિકાસ કરી શકશે. કમભાગ્યે ભારતમાં માત્ર 2.3% કામદારોને જ શિક્ષણ સાથે સ્કીલ મળી હોય છે. (દક્ષિણ કોરિયામાં તે પ્રમાણમાં 96% હોય છે.) ભારતમાં કૉલેજમાંથી બહાર પડનારામાંથી 20% જેટલા જ નોકરીને લાયક હોય છે. 80%ને રોજગાર માટે ધ્યાને લેવાતા નથી.
દેશ | 2019માં GDPમાં ક્રમ | 10-24 વયજૂથના યુવાનો (મિલિયનમાં) | GDP (અબજમાં) | વિશ્વમાં યુવાનોની સંખ્ચા (ટકાવારીમાં) | વિશ્વ GDPની ટકાવારી |
અમેરિકા | 1 | 65 | 21 | 3% | 25% |
ચીન | 2 | 269 | 14 | 15% | 16% |
ભારત | 6 | 356 | 2.9 | 19% | 3% |
વિશ્વ | 1800 | 86.5 |
2019માં વિશ્વ GDP ક્રમમાં ભારત છઠ્ઠા સ્થાને હતું. વિશ્વના 19% યુવાનો છે, પણ તેમન ફાળો GDPમાં 3% છે. અમેરિકામાં વિશ્વના માત્ર 3% યુવાનો છે, પણ GDPમાં તેમનો ફાળો 25% છે. વિશ્વ ક્રમમાં ચીન બીજા સ્થાને છે - વિશ્વના 15% યુવાનો છે અને તેઓ 16% ફાળો GDPમાં આપે છે. આ આંકડાં દર્શાવે છે કે, ભારતમાં યુવાનોનો ફાળો GDPમાં ઘણો વધારી શકાય તેમ છે.
વર્તમાન સ્થિતિ
સ્કીલની બાબતમાં ભારતમાં સૌથી મુશ્કેલી છે, જે 64% સાથે સૌથી ઉપર છે. ચીનમાં 24% સાથે ઘણી ઓછી મુશ્કેલી છે, એમ 2014ના OECD રિપોર્ટમાં જણાવાયું હતું.
2020ના આગામી જોબ્સ વિશેના લિન્કડિન રિપોર્ટમાં જણાવાયું છે કે બ્લોક ચેઇન ડેવલપર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશ્યલિસ્ટ, રોબોટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, સાયબર સિક્યુરિટી જેવી આધુનિક ટેક્નોલૉજી માટે સૌથી વધુ માંગ છે. ઇન્ફોસિસના 2019ના રિપોર્ટ અનુસાર પાંચ પ્રકારની સ્કીલની સૌથી વધુ જરૂર છે. ડિજિટલ ઇન્નિશિયેટિવ 67%, એનેલિટિક્સ 67%, ઑટોમેશન 61%, ક્લાઉડ સહિત આઈટી આર્કિટેક્ચર 59% અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 58%ના જાણકારોની વધારે જરૂર છે.
સાચી વાત એ છે કે આવી સ્કીલ યુનિવર્સિટી કે એન્જિનિયરિંગ કૉલેજમાં શીખવવામાં આવતી નથી. આ સંસ્થાની ફેકલ્ટીએ તે વિશે સાંભળ્યું પણ હોતું નથી. દુનિયાની સ્પર્ધાત્મક બજારમાં રોજગાર માટે યુવાનોને કુશળ કરવામાં આ સૌથી મોટું નડતર છે. ઉદ્યોગોને જરૂરી છે તેવી તાલીમ ક્લાસરૂપમાં મળતી નથી અને ગેપ વધતો જાય છે. યોગ્ય ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને તાલીમ માટે પૂરતા સ્રોત હોય તો જ આ સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.
વેપારમાં ડિજિટાઇઝેશન આવી રહ્યું છે તેના કારણે ટેક્નિકલ સ્કીલની જરૂર ઊભી થઈ રહી છે, પણ તેવા માણસો મળતા નથી. “વર્લ્ડ ઇકોનોમિક ફોરમ”ની ધારણા અનુસાર ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 2025 સુધીમાં 7.5 કરોડ નોકરીઓ જતી રહેશે. તેની સામે 13.3 નવી નોકરીઓ ઊભી થશે. તેથી યુવાનોને નવી ટેક્નિકલ સ્કીલ માટે તૈયાર કરવા જરૂરી છે.
વ્યૂહાત્મક કાર્યક્રમ અને આયોજન
ભારતની શિક્ષણ વ્યવસ્થાને કારણે યુવાનોને સ્કીલ મળતી નથી અને નોકરીને લાયક બનતા નથી. ટેલેન્ટ ફર્મ અસ્પાયરિંગ માઇન્ડના અભ્યાસ પ્રમાણે ભારતના 80 ટકા એન્જિનિયર નોકરીને લાયક હોતા નથી.
એસોસિએટેડ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને ગયા વર્ષે જાણવા મળ્યું હતું કે ભારતની બિઝનેસ સ્કૂલના 7 ટકા વિદ્યાર્થીઓ જ નોકરીને લાયક હોય છે. 2018માં ભારતમાં યુવાનોમાં બેકારીનો દર 10.42 ટકા હતો. છેલ્લા એક દાયકાથી ભારતમાં યુવાનોનો બેકારી દર 10 ટકાની આસપાસનો ચાલી રહ્યો છે.
એન્ટ્રપ્રન્યોરને પ્રોત્સાહન માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો સરકારે શરૂ કર્યા છે અને ITIમાં ધોરણ સુધારવા કોશિશ થઈ છે. કેન્દ્રના 2019-20ના બજેટમાં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી લાવીને ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટેની વાત કરવામાં આવી હતી. યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જસ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્ઝ, 3ડી પ્રિન્ટિંગ વગેરે માટે નવા તાલીમ કાર્યક્રમો દાખલ કરવામાં આવશે. નવા જમાનાની આવી સ્કીલ સાથે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં પણ નોકરી માટે સ્પર્ધા કરી શકે છે.
ભારતીય યુવાનોને કરિયર માટે યોગ્ય માર્ગદર્શન અને સલાહ મળતા નથી. 51% ઉત્તરદાતાએ જણાવ્યું હતું કે તેમને કયા ક્ષેત્રમાં નોકરીની તક છે તેની માહિતી મળતી નથી. 30%એ જણાવ્યું હતું કે માર્ગદર્શન અને સલાહનો અભાવ છે. વિશ્વમાં ભારતીય કિશોરમાં સૌથી વધુ ડિપ્રેશન છે. દર ચારમાંથી એક કિશોર ડિપ્રેશનમાં છે.
ઇન્ડિયા ટુડેના 2019 મુંબઈ કોનક્લેવમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. કિશોરોના ડિપ્રેશનનું નિદાન પણ મુશ્કેલ છે. ભારતમાં દર પાંચ યુવાનને હાઇ બ્લડ પ્રેશર છે. આરોગ્યની આ સમસ્યા પર પણ ધ્યાન દેવું જરૂરી છે. તંદુરસ્ત યુવાધન ભારતની અસલી શક્તિ છે. ભારતના ગ્રામીણ વિસ્તારના યુવાનો તથા સમગ્ર દેશના યુવાઓમાં કન્યાઓ કેટલી છે તેનો પણ વિચાર કરવો પડે. તેમના શિક્ષણ, સ્કીલ અને આરોગ્યના પ્રશ્નો વિશે અલગથી યોજના હોવી જોઈએ. આ ઉપરાંત નવા યુગના 'જનરેશન Z' વિદ્યાર્થીઓ માટે પણ અલગથી વિચારવું પડે.
યુવાશક્તિ માટે ટેક્નોલૉજી ખૂબ અગત્યની છે. દુનિયા ઇન્ટરનેટ અને મોબાઇલ પર ચાલે છે. દરેક જગ્યાએ ઇન્ટરનેટ મળે તે વિકાસ માટે જરૂરી છે. નવા યુગના યુવાનો ટેક્નોલૉજીથી સજાગ છે, તેથી કમ્પ્યુટર્સ, લેપટોપ, સ્માર્ટફોનને શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ સિસ્ટમમાં સમાવી લેવા રહ્યા.
ઇન્ટરનેટ, ડેટા સેન્ટર્સ, ઓપ્ટિક ફાઇબર્સ જેવા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકારે વધારે રોકાણ કરવું જોઈએ. યુવાનોને ટેક્નિકલ સ્કીલને વિકસાવવા મદદ કરીને તેમની કાર્યક્ષમતા વધારી જોઈએ. રાષ્ટ્રીય કક્ષાએ “સમસ્યા ઉકેલ માટેની સમિતિઓ” આઈઆઈટી, આઈઆઈએમ અને એનઆઈટીમાં વિદ્યાર્થીઓ દ્વારા જ બને તે જરૂરી છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિભા યુવાધન છે. દેશની સમસ્યાના ઉકેલ માટે તેમની મદદ લેવી તે ઉત્તમ વિચાર છે. દેશભરની સમસ્યાઓ એકઠી કરીને આ વિદ્યાર્થીઓ સામે મૂકવી જોઈએ અને તેમને વિશ્લેષણ કરીને ઉકેલ આપવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સમસ્યાનો ઉકેલ શોધી કાઢનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્રેડિટ પણ આપવી જોઈએ.
આ વિચાર બધી જ યુનિવર્સિટી, કોલેજો અને શાળામાં અમલમાં મૂકી શકાય છે. તે રીતે યુવાનો પોતે જ દેશની સમસ્યાઓ પર વિચારતા થશે.
કામની જગ્યાએ મશીનોની સંખ્યા વધી રહી છે તે અનિવાર્ય છે. ગાર્ટનરના અંદાજ અનુસાર દુનિયાભરમાં રોબોની સંખ્યા 2015ના 4.9 અબજથી વધીને 2020 સુધીમાં 25 અબજ થઈ જશે. યુવાનોએ રોબો સાથે કામ કરવાના પડકાર માટે તૈયાર રહેવું પડશે. તે માટે શાળાઓમાં જ નાની રોબોટિક્સ વર્કશોપ્સ દાખલ કરવી જોઈએ.
દેશના યુવાનોમાં જીવનભર શીખવાની વૃત્તિ પણ દાખલ કરવી રહી. તેના કારણે તેઓ પોતાની સ્કીલને અપડેટ કરતાં રહેશે અને ઝડપથી બદલાતા ઉદ્યોગો સાથે તાલ મીલાવી શકશે. આ કાર્યમાં વાલી અને શિક્ષકો બંનેએ સામેલ થવું જોઈએ. પ્રાથમિક શિક્ષણમાં માત્ર શિક્ષકો એકલા વિદ્યાર્થીની પ્રતિભાનો વિકાસ કરી શકે નહિ. આ તબક્કે વાલીની જવાબદારી અને અગત્ય વધારે હોય છે.
માધ્યમિક શાળામાં શિક્ષકોની ભૂમિકા વધારવી જોઈએ જેથી તેઓ વિદ્યાર્થીની પ્રતિભાને વધારે કાર્યક્ષમ બનાવી શકે. માનસશાસ્ત્રીઓ અને વિદ્યાર્થી માર્ગદર્શકોને પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં શિક્ષકોની ટીમ સાથે જોડવા જોઈએ.