ભોપાલ: મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ફ્લોર ટેસ્ટ પર જારી સસ્પેન્સ હવે પૂરુ થઈ ગયું છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે કમલનાથ સરકારને શુક્રવારે સાંજે 5 કલાક સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ ભાજપે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પત્રકાર પરિષદ યોજી આવતીકાલે થનારા ફ્લોર ટેસ્ટમાં જીતનો દાવો કર્યો છે.
પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ન્યાયની જીત થઈ છે, અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે, જનતાની દુવા અમારી સાથે છે. ફ્લોર ટેસ્ટમાં આ સરકારનો પરાજય થશે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. તેમણે વિધાનસભામાં કોંગ્રેસના બળવાખોરની હાજરી પર કહ્યું કે, ધારાસભ્યો કોર્ટનો આદેશ માનશે. ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવી કે નહીં, તે ધારાસભ્યો નક્કી કરશે.
ભાજપના નેતા શિવરાજ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, "કમલનાથ સરકારે લોકતંત્રને મજાક બનાવી રાખી છે. દારૂ માફિયા, રેત અને પરિવહન માફિયા હાવી થતા રહ્યાં હતા. કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હતી. પ્રદેશમાં થઈ રહેલી બદલીઓને લઈને શિવરાજે કહ્યું હતું કે, અલ્પમતની સરકાર પ્રદેશમાં નિમણૂંક અને બદલીઓ કરી રહી હતી. આજે આવા અન્યાયનો પરાજય થયો છે.'