નવી દિલ્હી: જાહેર આરોગ્યની કટોકટીના સમયે સમાજનો સહયોગ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. હાલના સંજોગોમાં એક વાતની નોંધ લેવી ખુબ જરૂરી છે કે સરકાર અને જાહેર આરોગ્ય વિભાગે સમાજ, દર્દીઓ, તેઓના પરિવાર અને અન્ય કર્મચારી, ભાગીદારો અને વિભાગો જેવા અનેક પક્ષકારોને સાથે આ જંગમાં સાંકળી લે તે જરૂરી છે
ઇબોલા વાઇરસ અને નિપાહ વાઇરસના કારણે તાજેતરના ભૂતકાળમાં ફેલાયેલા રોગચાળા સામે જંગ લડવામાં સમાજનો સહયોગ અને સમાજની ભાગીદારી ખુબ જ અસરકારક પૂરવાર થઇ હતી. યાદ રહે કે ઇબોલા અને નિપાહ એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતા વાઇરસ હતા. આ બંને વાઇરસના કારણે ફેલાયેલો રોગચાળો જાહેર આરોગ્ય સામે જોખમરૂપ પૂરવાર થયો હતો. 2018માં આફ્રિકા ખંડમાં આવેલા ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં ફાટી નીકળેલા ઇબોલાના રોગચાળાને જુલાઇ-2019માં આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ઘેરી ચિંતાનો વિષય બની જતાં તેને જાહેર આરોગ્યની કટોકટી તરીકે જાહેર કરાયો હતો. 2018માં ભારતના કેરળ રાજ્યમાં નિપાહ વાઇરસના પગલે રોગચાળો ફાટી નીકળ્યો હતો જેથી WHO દ્વારા તેને WHO ના દક્ષિણ-પૂર્વ ક્ષેત્રના જાહેર આરોગ્યના મહત્વ માટે એક રોગચાળો (પ્રાણીઓમાંથી માનવીઓમાં ફેલાતો) જાહેર કરાયો હતો.
સમાજનો સહયોગ-ભાગીદારી એટલે શું
WHO દ્વારા સમાજની ભાગીદારીની એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે “આરોગ્યને લગતી સમસ્યાઓ દૂર કરવા અને આરોગ્યનો રચનાત્મક પ્રભાવ અને પરિણામો હાંસલ કરવા ઉપરાંત જનકલ્યાણમાં વધારો કરવા તમામ લોકોને સક્ષમ અને સક્રિય બનાવે એવા સંબંધો વિકસાવવાની પ્રક્રિયા“
સમાજ કે સમુદાયનો અહીં એવો અર્થ કરવામાં આવ્યો છે કે જેને સંબંધિત વિષયની કોઇ જાણકારી નથી એવા સમુદાય ઉપરાંત શિક્ષણવિદો, જાહેર આરોગ્યના નિષ્ણાતો, નીતિ ઘડનારા અને અન્ય સંસ્થાઓ. માંદગી અને આરોગ્ય એ લોકોના પર્યાવરણીય અને સામાજિક સંદર્ભમાં જ આકાર લેતા હોય છે, એ સિધ્ધાંતમાં જ સમાજની ભાગીદારીનો તર્ક છૂપાયેલો છે.
સમાજની ભાગીદારી સાથે સંકળાયેલા કેટલાંક જગ-જાહેર અભિગમ અને પદ્ધતિઓમાં સમાજના લોકોને એકઠાં કરવા, સંદેશાવ્યવહાર (રોગચાળા, જોખમ અને કટોકટી વિશે) અને આરોગ્યના શિક્ષણના માધ્યમથી આરોગ્યને સૌથી વધુ મહત્વ આપવાની બાબતોનો સમાવેશ થાય છે.
તે કેવી રીતે મદદરૂપ બને છે?
સમાજના લોકોને એકઠાં કરવા- સમાજના લોકોને એકઠાં કરવાની બાબત આંતર-સંબંધિત અને પૂરક પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની મદદથી એક પ્રકારનું પરિવર્તન લાવવામાં સુગમતા ઉભી કરે છે. હાલમાં જ આપણે જોયું કે ભારત સરકાર નવા સ્ત્રોત (કોવિડ-19 માટે રાહત ભંડોળ) ઉભા કરી શકી છે અને તમામ સહયોગીઓ (પ્રસાર માધ્યમો દ્વારા છેડાયેલું અભિયાન, દવાઓના ઉત્પાદન અને બ્લેડ ટેસ્ટિંગ અને સર્વેલન્સ માટે તકનીકી સહાય પૂરી પાડવામાં ખાનગી ક્ષેત્ર દ્વારા અપાયેલું યોગદાન)ને એક સાથે લઇને જંગ લડવામાં સક્ષમ બની રહી છે.
તદઉપરાંત કોવિડ-19ના મહારોગચાળાને નાથવાના કાર્યમાં સ્થાનિક સમુદાયને પણ પરોક્ષ રીતે સાંકળી લેવો મહત્વનો છે. સ્થાનિક નેતાઓને શોધી કાઢવા અને તેઓને પણ આ કાર્યમાં પદ્ધતિસર સાંકળી લેવા મહત્વનું છે. સમાજને શિક્ષિત કરવા અને તેઓની વર્તણૂંકમાં પરિવર્તન લાવવાનું હોવાથી આ કાર્યમાં મહિલાને સાંકળી લેવી પણ અત્યંત મહત્વનું છે. આ પ્રકારની જાહેર આરોગ્યની કટોકટીને પહોંચી વળવા મહારોગચાળા સંબંધી જે કાંઇ મૂલ્યાંકન થયું હોય તેમાં પૂરક સહાય કરવા સમાજના પૂર્વાપર સંબંધોનું રાજકીય, સામાજિક અને આર્થિક વિશ્લેષણ થવું પણ અત્યંત જરૂરી છે. સમાજની સંસ્કૃતિ, જ્ઞાન અને અનુભવોમાં વધારો થાય એ રીતે તેની સાથે કામ કરવું એ બાબત પણ અત્યંત મહત્વની છે.
કેરળના કિસ્સામાં તેઓ નિપાહ વાઇરસના પડકારને સફળતાપૂર્વ ઝીલી શક્યા હતા જેમાં સમાજની ભાગીદારીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. દૃષ્ટાંત તરીકે પરિવારોને શોધી કાઢવામાં અને તેઓને ટેકો પૂરા પાડવામાં શહેરી અને સ્થાનિક સંસ્થાઓ ઉપરાંત ગામડાઓમાં આવેલી સુસ્થાપિત પંચાયતોની સમગ્ર સિસ્ટમે ચાવીરૂપ ભાગ ભજવ્યો હતો. સરકારના પ્રયાસોમાં ધાર્મિક નેતાઓ, એનજીઓ અને અભિપ્રાય આપતા નેતાઓએ ઘણી મદદ કરી હતી. કોઇ મહારોગચાળાની સામે કેવી રીતે કામ લેવું તે બાબતે કેરળ મોડલના અનુભવ પરથી તેઓને કોવિડ-19ની સામે ચૂપચાપ રીતે કેવું કામ લેવું તે અંગે શીખવા મળ્યું છે. કોવિડ-19ની સામે કામ લેવામાં ઘણા રાજ્યોએ રોગચાળાને કેવી રીતે નાથવો તે બાબતે કેરળ મોડલ અપનાવી રહ્યા છે.
સંદેશાવ્યવહારઃ-
કોવિડ-19 જેવા મહારોગચાળાની સામે કામ લેવામાં તે રોગચાળો અને તેના જોખમ વિશેનો અસરકારક સંદેશાવ્યવહાર અત્યંત મહત્વનો છે. આ રોગચાળાના કારણે ફેલાયેલા ભયને દૂર કરવામાં સમાજના તમામ વર્ગોને અને પરિવારોને તથા અસરગ્રસ્ત વ્યક્તિઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેઓને સાંસ્કૃતિક રીતે યોગ્ય હોય એવા સંદેશા પહોંચાડવા તે પણ અત્યંત અનિવાર્ય છે. મહારોગચાળો જ્યારે ફાટી નીકળ્યો હોય ત્યારે સમાચારો સતત અપડેટ થતાં રહેવા જોઇએ જેથી કરીને આ મહારોગચાળા વિશેની સ્થિતિ વધુ સ્પષ્ટ બને.
સંદેશાવ્યવહારની અસરકારક વ્યૂહરચનામાં સમાજની સાંસ્કૃતિક આચાર સંહિતા અને વિભાવનાઓ, મૂલ્યો, આર્થિક સ્થિતિ, સામાજિક માળખું, ઇતિહાસ અને ભૂતકાળના અનુભવો જેવી તમામ બાબતોને સાંકળી લેવી જરૂરી છે. મુખ્ય પ્રવાહના પ્રસાર માધ્યમોને બાદ કરતાં આજકાલ લોકોએ એક આભાસી સમાજ ઉભો કર્યો છે અને પોતાના નિર્ણયો લેવામાં અને માહિતી પ્રાપ્ત કરવામાં સોસિયલ મીડિયો ઉપર ભરોસો કરે છે. સોસિયલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતી ફેલાવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. તેથી આ મહારોગચાળાની સામે કામ લેવાના કાર્યમાં સાચી માહિતી પ્રસારિત કરવામાં આ આભાસી સમાજની પણ પરોક્ષ ભાગીદારી લેવી જરૂરી છે.
આવા કટોકટીના સમયમાં સમાજના યોગ્ય પ્રતિભાવને ઉજાગર કરવા માટે માહિતીની પારદર્શીતા પણ ખૂબ આવશ્યક છે. કેરળે નિપાહની કટોકટી સામે લડવામાં મુખ્ય પ્રવાહના પ્રસાર માધ્યમો અને સોસિયલ મીડિયા એમ બંનેનો ઉપયોગ વધારી દીધો હતો. સતત સત્તાવાર સમાચારો પૂરા પાડીને કેરળે ખોટા સમાચારો અને કુપ્રચારને રોકાય તે બાબત સુનિશ્ચિત કરી હતી.
આરોગ્ય શિક્ષણ દ્વારા આરોગ્યને પ્રોત્સાહનઃ- આરોગ્યનું પ્રોત્સાહન સામાજિક ન્યાય અને સશક્તિકરણના સિધ્ધાંત ઉપર આધારિત હોવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ અને પગલાંની સાથે સાથે સંદેશાવ્યવહારની વ્યૂહરચના, સામાજિક મેળાવડો, ક્ષમતાને વધુ મજબૂત બનાવવી, અને સમાજની અસરકારક ભાગીદારી જેવી બાબતો પણ પૂરક બની રહેવી જોઇએ. આ બધી બાબતો લોકોને તેઓના આરોગ્યને સુધારવામાં યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ થઇ પડશે.
સામાજિક ભાગીદારીના ફાયદાઃ-
જાહેર આરોગ્યને સુધારવાના કોઇપણ પ્રયાસમાં સમાજને પણ ભાગીદાર બનાવવો તથા તેનો સહયોગ લેવો ખુબ જ મહત્વનું છે. કોવિડ-19ના રોગચાળા જેવી જાહેર આરોગ્યની કટોકટીને પહોંચી વળવાની તૈયારીઓ વધારવામાં સમાજની ભાગીદારી દીર્ઘકાલિન અસરો ઉભી કરે છે.
કોવિડ-19ના રોગચાળાના સમયમાં સમાજની ભાગીદારીથી થતાં કેટલાંક વાસ્તવિક ફાયદા
તેનાથી રોગચાળાને નાથવા સરકાર દ્વારા શરૂ કરાયેલા પ્રયાસોમાં લોકોને ભરોસો અને વિશ્વાસ વધે છે
તેનાથી જાહેર આરોગ્યના માનવશ્રમમાં સમાજની માન્યતા વધે છે.
અસરગ્રસ્ત દર્દી અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતાં લોકો ઉપર લાગેલું કલંક દૂર કરવામાં સમાજની ભાગીદારી મદદરૂપ બને છે.
ખોટી માહિતી, કુપ્રચાર દ્વારા લોકોમાં જે ખચકાટ અને આશંકાઓ ઉભી થઇ હોય છે તે સમસ્યાનો સમાજની ભાગીદારીથી ઉકેલ આવે છે.
તેનાથી હાથની સફાઇ અને શારીરિક અંતર રાખવા જેવા વર્તણૂંક સંબંધી નિયમોનું વધુ સારી રીતે પાલન થાય છે.