વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટના ચુકાદા બાદ દેશવાસીઓને સંબોધન કર્યુ. આ પહેલા તેમણે ટ્વીટ કરી આ સમય ભારત ભક્તિની ભાવના મજબૂત કરવાનો હોવાનુ કહ્યું, ઉપરાંત ચુકાદાથી ન્યાયાલયની પ્રક્રિયામાં સામાન્ય માણસનો વિશ્વાસ મજબૂત થશે તેમ જણાવ્યું.
વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશઃ
- ન્યાયપાલિકા વિશેષરૂપે અભિનંદનને પાત્ર, સર્વ સમ્મતિથી નિર્ણય આવવો ખુશીની વાત...
- સુપ્રીમ કોર્ટે દઢ ઈચ્છાશક્તિના દર્શન કરાવ્યા.
- આજના જ દિવસે બર્લિનમાં દિવાલ ધરાશાયી થઈ હતી.
- હવે દિલમાં કડવાશને સ્થાન ન હોવુ જોઈએ.
- દરેક અટપટ્ટા મુદ્દાનો ઉકેલ બંધારણમાં.
- રામ મંદિરના નિર્માણનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઈ છે.
- એક નાગરિક તરીકે આપણે સૌએ દેશની ન્યાયિક પ્રક્રિયાનું સન્માન, નિયમ અને કાયદાનું સન્માન કરવું તેની જવાબદારી પહેલા કરતા વધી ગઈ છે
- હવે સમાજ તરીકે દરેક ભારતીયોએ પોતાના કર્તવ્ય અને પોતાના દાયિત્વને પ્રાથમિકતા આપવાનું કામ કરવાનું છે.
- આપણા વચ્ચેની એકતા, શાંતિ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
- ઉચ્ચ ન્યાયાલયનો આ ચુકાદો એક નવી સવાર લઈને આવ્યો છે. આ વિવાદે ઘણી પેઢીઓ પર અસર પાડી છે. પરંતુ, આ ચુકાદા પછી આપણે એ સંકલ્પ કરવો પડશે કે નવી પેઢી નવી રીતે નવા ઈન્ડિયાના નિર્માણમાં લાગી જશે.
- આ તમામ વાતોને લઈને ક્યારેય પણ, ક્યાંય પણ કોઈના મનમાં કડવાશ રહી હોય તો તેને તિલાંજલિ આપવાનો દિવસ છે.
- સમગ્ર વિશ્વ માને છે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર ધરાવતો દેશ છે. પરંતુ, આજે દુનિયાએ પણ જાણી લીધુ છે કે ભારતનું લોકતંત્ર જીવંત અને મજબૂત છે.