નવી દિલ્હીઃ 14 એપ્રિલના દિવસે બંધારણના રચયિતા ડૉ.ભિમરાવ આંબેડકરની જન્મ જયંતી છે. જેથી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં ગરીબ લોકોને રાશન અને માસ્કનું વિતરણ કરવા અંગે કહ્યું છે.
રવિવારે ભાજપના કાર્યકરોને અપાયેલા સંદેશામાં નડ્ડાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો અને ભાજપ શાસિત રાજ્યોમાં મુખ્યપ્રધાનોને ગરીબોમાં રાશન અને માસ્ક વિતરણ કરવાની અપીલ કરતો વીડિયો સંદેશ પાર્ટીના કાર્યકર્તાઓને મોકલવા જણાવ્યું છે.
નડ્ડાએ કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓને 14 એપ્રિલના રોજ પોતાના ઘરમાં આંબેડકરની તસ્વીર પર હાર પહેરાવી તે ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કરવો જોઈએ. આ સાથે જ તમામ કાર્યકર્તાઓએ બંધારણના આદર્શોનું પાલન કરવા અને કોરોના વિરુદ્ધ લડાઈમાં સરકારના આદેશોને અનુસરાના શપથ પણ લેવા જોઈએ.
તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને બંધારણ, સામાજિક સમાનતા અને સમરસતા અંગે ડૉ.આંબેડકરના વિચારો પર નિબંધ પણ લખવો જોઈએ.
તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે અને પોતાના વિસ્તારમાં ગરીબ લોકોને રાશન અને માસ્કનું વિતરણ કરવા અપીલ કરી છે. નડ્ડાએ આ કામગીરીમાં સ્વચ્છતાના ઘોરણોનું પાલન કરવાનું સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.
તેમણે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને કોરોના વાઇરસના સંક્રમણ અંગે લોકોને જાગૃત કરવા માટે ગરીબ લોકોમાં અભિયાન ચલાવવા આહ્વાન કર્યું છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પાર્ટી નેતા અને કાર્યકર્તા કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઈમાં કેન્દ્ર સરકારના પ્રયાસોની જાણકારી પણ લોકો સાથે શેર કરે.