ન્યૂઝ ડેસ્ક: ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે 2019માં 16.7 લાખ લોકોના મોત થયા હતા. દેશમાં થતા કુલ મૃત્યુમાં 17·8 ટકા લોકોના મોત વાયુ પ્રદૂષણને કારણે થાય છે. (સ્રોત: લાન્સેટ પ્લેનેટરી હેલ્થ). વિશ્વભરમાં અકાળે થતા મોત માટે વાયુ પ્રદૂષણ ચોથું મોટું જોખમી પરિબળ છે. તેના કારણે લગભગ 12 ટકા લોકોના મોત થાય છે. 2019ના વર્ષમાં જ વાયુ પ્રદૂષણના કારણે 66.7 લાખ લોકોનો મોત થયા હતા, એમ સ્ટેટ ઑફ ગ્લૉબલ એર રિપોર્ટ 2020માં જણાવાયું છે. જો વાયુ પ્રદૂષણને કારણે થતી બીમારી આપણે અટકાવી શક્યા હોત તો આટલી મોટી સંખ્યામાં થતા મોતને અટકાવી શકાયા હોત.
પર્યાવરણની બાબતમાં સૌથી મોટી સમસ્યા વાયુ પ્રદૂષણ છે અને WHO તરફથી વારંવાર કહેવાયું છે કે વાયુ પ્રદૂષણ અદૃશ્ય હત્યારો છે. વૈશ્વિક ધોરણે દર એક લાખે થતા મોતમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મોતનું પ્રમાણ 86નું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા કરતાં વધારે વાયુ પ્રદૂષણ હોય તેવા વિસ્તારોમાં જ 92 ટકા વસતિ વસે છે.
વાયુ પ્રદૂષણને કારણે રોગચાળો ફેલાય છે. હાર્ટના રોગોમાં 20 ટકા જવાબદાર પરિબળ પ્રદૂષિત હવા છે. ફેફસાના કેન્સર થવા પાછળ 19 ટકા કિસ્સામાં વાયુ પ્રદૂષણ જ કારણભૂત છે. 40 ટકા COPD મોત પણ વાયુ પ્રદૂષણને કારણે જ થાય છે. વાયુ પ્રદૂષણથી સૌથી વધુ સમસ્યા અસ્થમાની થાય છે. આ રોગોને અટકાવી શકાય છે. તમાકુ અને દારૂના સેવનથી થતી બીમારીઓ પણ નિવારી શકાય તેવી છે. શું સરકારે તમાકુ અને શરાબની મોટી કંપનીઓ સામે કાર્યવાહી ના કરવી જોઈએ?
વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન જોડાયેલા છે. તેના કારણે અર્થતંત્રને નુકસાન થાય અને માનવ જાત સામે ખતરો ઊભો થાય છે. આમ છતાં સરકારોને વાયુ પ્રદૂષણ અટકાવીને લોકોના જીવન સલામત બનાવવામાં ખાસ રસ હોય તેવું લાગતું નથી.
પ્રદૂષણ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી
લાન્સેટ પ્લેનેટરી હેલ્થના હાલના એક લેખમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણને અકાળે અવસાનથી 2019ના વર્ષમાં અર્થતંત્રને 28.8 અબજ ડૉલર (લગભગ 2,13,451 કરોડ રૂપિયાનું) નુકસાન થયું હતું. “જીડીપીની ટકાવારીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ અને બિહારને સૌથી વધુ નુકસાન થયું હતું, જે દર્શાવે છે કે ગરીબ રાજ્યોને જ વાયુ પ્રદૂષણનું સૌથી વધારે નુકસાન થાય છે,” એમ લેખમાં જણાવાયું છે.
ભારતમાં આરોગ્યની સુવિધાઓ અપૂરતી છે ત્યારે કોવીડ-19 જેવી મહામારીને કારણે સ્થિતિ વકરી છે. આ બધી બીમારીઓ અટકાવી શકાય તેવી છે, પરંતુ તેમ નથી થતું તે સૌથી દુખની વાત છે.
હાલમાં જ રાષ્ટ્રપતિએ ‘કમિશન ફૉર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન નેશનલ કેપિટલ રિજન અને એડજોઈનિંગ એરિયાઝ, 2020’ વટહુકમ પર સહી કરી છે. તેમાં વાયુ પ્રદૂષણ માટે જવાબદારને 1 કરોડ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. ખેડૂતો પરાળી બાળે તેના કારણે થતા ધૂમાડાને રોકવા આ વટહુકમ લવાયો હતો. ઉદ્યોગો તો કાયમ ધૂમડો કાઢીને પ્રદૂષણ કરે છે તેના માટે સરકારે ક્યારેય આવા કડક કાયદા કર્યા નહોતા. આ બાબતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી કાયમ વામણી રહી છે. ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણમાં બોર્ડે કાયમ ભ્રષ્ટાચાર કરીને જોખમ ઊભું કર્યું છે.
સાચી વાત એ છે કે પ્રદૂષણ ફેલાવવાનું કામ અમીરો અને ધનિક ઉપભોક્તા જ વધારે કરે છે. ધનિક લોકો જ સ્રોતોનો સૌથી વધારે ઉપયોગ અને બગાડ કરે છે. આ સ્થાપિત હિતોના હાથમાં જ 'પર્યાવરણ સુચારુ વિકાસ મોડલ' નક્કી કરવાની સત્તા છે, ત્યારે તેઓ કેવી રીતે પોતને દંડ કરવાના. તેના બદલે વાયુ પ્રદૂષણનો દોષ ખેડૂતો પર નાખી દેવાયો.
વાયુ પ્રદૂષણને કારણે થતા નુકસાન માટે કોને જવાબદાર ગણવા જોઈએ - આ બાબત પર ઊંડા વિચારની જરૂર છે. સરકાર શા માટે હવામાં ધૂમાડા કરનારા ઉદ્યોગો પાસેથી દંડ વસૂલ કરતી નથી? હાલના વર્ષોમાં સરકારે ઉલટાના પર્યાવરણની કાળજી લેવાના નિયમો ઉદ્યોગોને માફક આવે તે રીતે હળવા કર્યા છે. આર્થિક વિકાસ અને વહિવટી સરળતાના બહાને છૂટ આપી દેવાઈ છે.
સ્વચ્છ હવા નાગરિકોને મળે તેની જવાબદારી સરકારની છે. ઉદ્યોગો હવાને પ્રદૂષિત ના કરે તે જોવાની જવાબદારી સરકારી તંત્રની છે. આપણી ધરતી માતા, પર્યાવરણ અને નાગરિકોના આરોગ્યને ખતરો ઊભો થાય તેવી પ્રવૃત્તિ કરતા ઉદ્યોગોને રોકવા તે કામ સરકારનું છે. માર્કેટ આધારિત ઉપાયો અજમાવાથી કામ ચાલવાનું નથી. તેના કારણે ઉલટાની ઉદ્યોગોને નફાખોરી કરવાની જ તક મળી જાય છે. પ્રદૂષણ હટાવવાની કામગીરીના નામે કંપનીઓ ઉલટાની કમાણી કરે છે. એર પ્યોરિફાયર લગાવવા એ કંઈ વાયુ પ્રદૂષણ દૂર કરવાનો ઉપાય નથી. હવાને મૂળભૂત રીત સ્વચ્છ કરવી એ જ સાચી દિશાનું કામ છે. વાયુ પ્રદૂષણને અટકાવવા માટે આપણે વિકાસના મોડેલ વિશે નવેસરથી વિચારવાની જરૂર છે.
- સંદીપ પાંડે, શોભા શુક્લ અને બોબી રમાકાંત
સંદીપ પાંડે, સમાજવાદી પક્ષ (ભારત)ના ઉપપ્રમુખ છે
શોભા શુક્લ CNSના ફાઉન્ડર છે
બોબ રમાકાંત CNS અને પક્ષ બંને સાથે સંકળાયેલા છે.
ટ્વીટર પર - @Sandeep4Justice, @Shobha1Shukla, @bobbyramakant