મુંબઈના ભાયખલા- ડોંગરી વિસ્તારમાં આવેલી આશરે 60 થી 70 વર્ષ જુની જર્જરીત ઈમારત પત્તાના મહેલની જેમ ખરી પડી હતી. સવારે 11.48 મીનિટે આ ઈમારત તુટી પડી હતી. આ ઘટના બની ત્યારે લોકો પોતાના ઘરમાં જ હતા તેમજ આસ-પાસ પણ લોકોની અવરજવર ચાલુ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કાટમાળ હેઠળ આશરે 40 થી 50 લોકો દબાયા હોવાની આશંકા સેવાય રહી છે. NDRFની બે ટીમ તેમજ સ્થાનિક ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ઈમારત સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ નાનો હોવાથી ફાયરબ્રિગેડની ગાડી પ્રવેશી શકે તેવી શક્યતા નથી.
જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. જો કે સ્થાનિક લોકોએ માનવસાંકળ બનાવી યુદ્ધના ધોરણે બચાવકાર્ય કરી રહ્યા છે. જો કે એક બાળક સહિત 3 લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકે તેમ ન હોવાથી ઈજાગ્રસ્તોને લોકો ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે લોકોટોળા પણ એકઠા થયા હતા. સ્થાનિક પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી છે.
આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાની શક્યતા હોવાનું રાજ્યના પ્રધાન વિખે પાટીલે કહ્યુ હતું. 5 લોકોના મોત અને 8 લોકોને ઈજા થઈ હોવાની સત્તાવાર માહિતી તંત્રએ આપી છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. હાલમાં ફાયર ફાઈટર અને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.