મુંબઇ: છેલ્લા બે દિવસથી પડેલા વરસાદ વચ્ચે મુંબઈના અનેક વિસ્તારોમાંથી જૂના મકાનો ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે મુંબઇ સીએસટીમાં જીપીઓ નજીક બિલ્ડિંગનો અડધો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયરના ચાર ટેન્ડર સ્થળ પર હાજર છે.

શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે આ ઘટના અંગે જણાવ્યું કે, 'મને માહિતી મળી છે કે, બિલ્ડિંગમાં સમારકામ ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગમાં રહેનાર પરિવારોને આગાઉ જ મકાન ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી.’
આ અગાઉ મુંબઇના મલવાની વિસ્તારમાં એક ચોલ પડતા ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોલનો ભાગ પડવાની ઘટના બપોરે 1.30 વાગ્યે બની હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ચાર ફાયર વિભાગની ટીમ સાથે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે પાંચથી છ લોકો હતા, તેમાંથી ચારને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, સ્થળ પર રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.