નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના રાજકીય સંકટના વાદળ વહેલીતકે વિખેરાઈ જાય તેનો રસ્તો ખુલ્યો છે. ફ્લોર ટેસ્ટ માટે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહની અરજી પર સુનાવણી પૂરી થઈ છે. કોર્ટે મધ્યપ્રદેશમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણયને ભાજપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે વધાવી લીધો છે. તેમણે કહ્યુ હતું કે,' કમલનાથ સરકાર બહુમતી પરીક્ષણમાં સફળ થઈ શકશે નહીં. ફ્લોર ટેસ્ટ પછી નવી સરકાર બનશે'
ગુરૂવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સલાહ આપી હતી કે, મધ્યપ્રદેશ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોનો વીડિયો લીંકના માધ્યમથી સંપર્ક કરવો જોઈએ. નહીંતર બંધક બનાવ્યા હોવાની આશંકા દૂર કરવા માટે પગલા લેવા જોઈએ, પરંતુ વિધાનસભા અધ્યક્ષે આ સલાહને અવગણી હતી.
ન્યાયાધીશ ધંનજય ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યું હતું કે, તેઓ એવા માહોલમાં ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે, જેનાથી એવો દાવો કરી શકાય કે ધારાસભ્યોએ સ્વૈચ્છાએ મત આપ્યો છે.
બેન્ચે વિધાનસભા અધ્યક્ષને એ પણ પૂછ્યું કે, બળવો કરનારા ધારાસભ્યોના રાજીનામાં અંગે તેમના દ્વારા શું નિર્ણય લેવાયો અને શું તપાસ કરાઈ?
રાજ્યપાલ લાલજી ટંડનના વકીલે આક્ષેપ કર્યો હતો કે, હાલમાં મુખ્યપ્રધાન માત્ર તમાસો જોઈ રહ્યા છે અને તેમનાં બદલે રાજકીય લડાઈ વિધાનસભા અધ્યક્ષ કોર્ટમાં લડી રહ્યા છે.
વિધાનસભા અધ્યક્ષના વકીલે પોતાનો પક્ષ મુકતાં દલીલ કરી હતી કે, કોર્ટ આ પ્રમાણે અધ્યક્ષને આદેશો આપશે તો તેમાં બંધારણીય ગુંચવાડો ઉભો થશે.
બેન્ચે તમામ પક્ષોની દલીલો સાંભળી આવતી કાલે શુક્રવારે સાંજે પાંચ વાગ્યે ફ્લોર ટેસ્ટ કરાવવાની આદેશ આપ્યો છે. હવે જોવું રહ્યું કે કમલનાથ પોતાની ખુરશી બચાવી શકે છે કે, શિવરાજસિંહ ચૌહાણ કમળ ખીલવે છે?