મુંબઈઃ દિલ્હીમાં આજે અરવિંદ કેજરીવાલે મુખ્યપ્રધાન પદના શપથ લીધા છે, ત્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં BJP પર વ્યંગ કર્યો હતો. સામનામાં સંજય રાઉતે લખ્યું હતું કે, "બાપ રે !...આખું દિલ્હી દેશદ્રોહી નીકળ્યું..! દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામે બતાવી દીધું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ અજેય નથી.
વધુમાં લખાયું છે કે, બીજી વાત એ છે કે, મતદારો બેઈમાન નથી. ધર્મનો વંટોળ ઉભું કરવામાં આવે છે. જેમાં રામની શ્રદ્ધા જીતે છે, પણ કેટલીક જીત હનુમાન અપાવે છે. બસ, આવું જ કંઈક દિલ્હીમાં થયું છે. " આગળ વાત કરતાં તેઓ લખે છે કે, લોકસભા ચૂંટણીમાં અભેદ રહેલી ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ધારાશાયી થતી જોવા મળે છે.
શાહીન બાગ મુદ્દે સંજય રાઉતે કરી ટિપ્પણી....
શાહીન બાગમાં CAA વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ અંગે ટિપ્પણી કરતા સંજય રાઉતે લખ્યું છે કે, શાહીન બાગમાં નાગરિકત્વ કાયદાના વિરોધમાં મુસ્લિમો ધરણા પર બેઠા હતા. ભાજપે તેનો ઉપયોગ હિંદુ વિરુદ્ધ મુસ્લિમ તરીકે કર્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સૌથી દયનીય પરાજય હિંદુઓના વર્ચસ્વ ધરાવતા મતક્ષેત્રોમાં થયો છે. હિન્દુ-મુસ્લિમો, ખ્રિસ્તીઓ, દલિતો, શીખ બધાએ કેજરીવાલને મત આપ્યો છે. લોકોએ દેશના લોકપ્રિય વડાપ્રધાન અને ગૃહપ્રધાનની વાત સાંભળી નથી. આમ, દિલ્હીમાં ભાજપની થયેલી હારનું આંકલન કરતાં સંજય રાઉતે વડાપ્રધાન અને અમિત શાહની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો.