આંધ્રપ્રદેશઃ કાનિપાકમ વારાસિદ્ધિ વિનાયક મંદિર લગભગ એક હજાર વર્ષ પહેલા નિર્માણ પામ્યું હતું તેવો ઇતિહાસમાં ઉલ્લેખ છે. વર્ષો પહેલા વિહારપુરી ગામમાં અત્યંત કુશળ, સત્યપ્રિય અને ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા 3 ભાઇઓ રહેતા હતા. જન્મથી જ બહેરા, મૂંગા અને અંધ એવા આ 3 ભાઇઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એકવાર ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવા લાગ્યા. તેવામાં આ ત્રણેય ભાઇઓએ દુષ્કાળથી ગામને બચાવવા ખેતરમાં કૂવો ખોદવાનું શરૂ કર્યુ. કૂવો ખોદતી વખતે તેમને એક વિશાળ પથ્થર મળી આવ્યો જેની સાથે કુહાડી અથડાતા તેમાંથી રક્તના ફૂંવારા છુટ્યા હતા. જેવો આ રક્તનો સ્પર્શ ત્રણેય ભાઇઓને થયો, તેવી તરત જ તેમની શારીરિક ખામીઓ દૂર થઇ ગઇ.
જ્યારે ગામવાસીઓને આ ઘટનાની જાણ થઇ ત્યારે તરત જ તેઓ ખેતરમાં પહોંચ્યા અને વધુ ઉંડાણમાં ખોદવા લાગ્યા જેને પગલે તેમને ખાડામાંથી ભગવાન ગણેશનું મૂર્તિ સ્વરૂપ મળી આવ્યું. ગામવાસીઓ દરરોજ આ મૂર્તિની પૂજા કરતા અને તેને નારિયેળ પાણી ચડાવતા, તેમના દ્વારા ચડાવાયેલું પાણી એક એકર સુધીની ભૂમિમાં ફેલાતું. આથી આ મંદિરનું નામ કાનિપાકરમ રાખવામાં આવ્યું. જેમાં કાનિનો અર્થ થાય છે જમીનનો ટુકડો અને પાકરમ એટલે જમીન ભીની થવી.
કાનિપાકમ વારાસિદ્ધિ વિનાયક પ્રામાણિકતાના દેવ તરીકે જાણીતા છે. શ્રદ્ધાળુઓ દ્રઢ માન્યતા ધરાવે છે કે જો કોઇપણ વ્યક્તિ ભગવાન સમક્ષ ખોટા વચન લેશે તો ભગવાન જરૂરથી તેમને સજા કરશે. તેમજ જેમને દારૂનું વ્યસન હોય તેવા લોકો જો ભગવાન વિનાયકની બાધા રાખે તો તેમનું વ્યસન ચોક્કસપણે દૂર થાય છે.
એવી પણ માન્યતા છે કે ભગવાન વારાસિદ્ધિ વિનાયકની મૂર્તિનું કદ ધીમે ધીમે વધી રહ્યુ છે. વર્ષ 1945માં વિજયવાડાના એક શ્રદ્ધાળુ દ્વારા આબેહૂબ મંદિરની પ્રતિમા જેવી દેખાતી ચાંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. થોડા વર્ષો બાદ આ મૂર્તિનું કદ મંદિરમાં બિરાજમાન મૂર્તિના કદ સાથે સરખાવવામાં આવતા મંદિરની મૂર્તિના કદમાં અસામાન્ય વધારો જોવા મળ્યો. ત્યારબાદ વર્ષ 2000 અને 2006માં અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરની મૂર્તિના તે સમયના કદની ચાંદીની પ્રતિમાઓ બનાવવામાં આવી અને તેને જૂની પ્રતિમાઓ સાથે સરખાવવામાં આવી. આમ, 1945 થી લઇને અત્યાર સુધી અનેકવાર મૂર્તિઓની સરખામણી કરી તેની ઉંચાઇમાં થઇ રહેલા સતત વધારાની નોંધ રાખવામાં આવી છે. આ તમામ મૂર્તિઓ મંદિરના સંગ્રહાલયમાં સ્થાપિત છે.
કાનિપાકમ મંદિરમાં શૈવ અને વૈષ્ણવ એમ બંને સંપ્રદાયના રિવાજો મુજબ પૂજા થાય છે. આ મંદિરની દિવાલોમાં કોતરાયેલા સ્થાપત્યોનું પણ વિશેષ પૌરાણિક મહત્વ છે. મંદિરમાં મહાગણપતિ, દક્ષિણામૂર્તિ, સૂર્યદેવ, શણમુખ અને દુર્ગાદેવીની પ્રતિમાઓ એકબીજાને અડોઅડ ગોઠવાયેલી છે. ભવ્ય સુશોભન ધરાવતા મંદિરના મંડપો અને છત પરની કલાકૃતિઓ પણ અત્યંત મોહક છે. મંદિરમાં મરગરદમ્બિકા અમ્માવરીની મૂર્તિ પણ સ્થાપિત છે જ્યાં રાહુ-કેતુની પૂજા અને સર્પ દોષ નિવારણને લગતું પૂજન થાય છે.
દરવર્ષે કાનિપાકમ મંદિરમાં શ્રી વારાસિદ્ધ વિનાયક બ્રહ્મોત્સવ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. પહેલાથી જ 14 ગામના લોકો દ્વારા આ તહેવારમાં ભગવાનની પૂજા થાય છે. ભગવાન વિનાયકની પૂજામાં 21ના આંકડાનું ભારે મહત્વ છે. 14 ગામોની 21 જ્ઞાતિઓ 21 દિવસ સુધી સમગ્ર ઉજવણીના આયોજન અને વ્યવસ્થાપનમાં હોંશભેર ભાગ લે છે. બ્રહ્મોત્સવ પર્વની ઉજવણીમાં 14 ગામના યુવાજૂથો 21 દિવસ દરમિયાન તમામ આયોજન કરે છે. દરરોજ સવારે ભગવાનના અભિષેકથી માંડીને રાત્રિના સમયે હંસ, મોર, ઉંદરો, સાંઢ, હાથી અને ઘોડા સહિત શોભાયાત્રા કાઢવા સુધી, હર્ષોલ્લાસપૂર્વક ભગવાન વારાસિદ્ધ વિનાયકની પૂજા થાય છે.