પટના: દેશમાં કોરોનાનો કહેર છે, ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. ટ્રેનનું મજૂરો પાસેથી ભાડું ઉગરાવવા મુદ્દે સરકાર પર સવાલો થઈ રહ્યાં છે, ત્યાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે સોમવારે કહ્યું કે, લોકડાઉનના લીધે બીજા રાજ્યોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસી કામદારોને ટ્રેનનું ભાડું આપવું નહીં પડે. ભાડું રાજ્ય સરકાર આપશે અને પ્રવાસના ખર્ચ માટે 500 રૂપિયા અલગથી પણ મળશે.
મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું કે, રાજસ્થાનના કોટાથી વિદ્યાર્થીઓ ટ્રેનથી બિહાર આવી રહ્યાં છે. દેશના અન્ય રાજ્યોમાં ફસાયેલા કામદારો અને બીજા લોકો ટ્રેનથી બિહાર આવી રહ્યા છે. આ તમામને ટ્રેન ભાડું આપવું નહીં પડે.
નીતિશે કહ્યું કે, કામદારોને ક્વોરેન્ટીન સેન્ટરથી ઘરે જતા સમયે રાજ્ય સરકાર વધારાના 500 રૂપિયા આપશે. દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 1000 રૂપિયા મળશે. નીતિશે પ્રવાસીઓને ટ્રેનથી લાવવાની સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે, લોકડાઉનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને કામદારો પાસેથી ભાડું લેવાના મામલે રાજકારણ થઇ રહ્યું હતું. આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મજૂરોને ટ્રેનનું ભાડું આપવાનું વચન આપ્યું છે, ત્યાં બિહારમાં તેજસ્વી યાદવે નીતિશ કુમારને સવાલ કર્યો કે, જો સરકાર ભાડું આપવા તૈયાર નહોય તો અમારી પાર્ટી મજૂરોનું ભાડું આપશે.