નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગેની સલાહ આપી છે. ગૃહ મંત્રાલયે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે, રોગચાળા સામેની લડતમાં તેમની શ્રેષ્ઠ સેવાઓને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ચિકિત્સકો, આરોગ્ય અને સ્વચ્છતા કામદારો જેવા કોરોના લડવૈયાઓને આમંત્રણ આપવું જોઈએ.
પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે તેમને પણ આમંત્રણ આપવું જોઈએ. બધા કાર્યક્રમો એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય અને આયોજન માટે શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુજ શર્મા દ્વારા જાહેર કરાયેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમોનો વેબકાસ્ટ થવો જોઈએ જેથી કાર્યક્રમ ત લોકો સુધી પહોંચી શકે જે લોકો તેમાં ભાગ લઈ શક્યા નહીં.મંત્રાલયે કહ્યું કે તે યોગ્ય રહેશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા 'આત્મનિર્ભર ભારત' ની થીમની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ ભવ્યતા, આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ, આ પ્રસંગને અનુકૂળ રહે એવી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગૃહમંત્રાલયે કહ્યું કે વૈશ્વિક રોગચાળા વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓનું આયોજન કરતી વખતે કેટલાક સાવચેતી પગલાને અનુસરવું ફરજિયાત છે. આ પગલાઓમાં માસ્ક પહેરવું, યોગ્ય સ્વચ્છતા કરવી, વધારે ભીડને ટાળવી, કોવિડ -19 સંબંધિત આરોગ્ય અને ગૃહ મંત્રાલયો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું કડક પાલન કરવું .
દિલ્હીના લાલ કિલ્લા પર થનાર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને સલામી,રાષ્ટ્રીય ધ્વજ ફરકાવો,21 બંદૂકોની સલામી, વડાપપ્રધાનનું સંબોધન,રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમો સામેલ હશે.
ગૃહમંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ સ્તરે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ચોક્કસ માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ સવારે 9 વાગ્યા પછી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવું, રાષ્ટ્રગીત, પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર , મુખ્યપ્રધાનનું સંબોધન સામેલ હશે.
જિલ્લા કક્ષાએ મુખ્યપ્રધાન અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પેટા વિભાગીય કક્ષાએ, પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અને પંચાયત કક્ષાએ સરપંચ અથવા ગામના વડા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય છે. પોલીસ અને લશ્કરી બેન્ડની રજૂઆત રેકોર્ડ કરી શકાય છે અને આ રેકોર્ડ કરેલા કાર્યકર્મ મોટા પડદાઓ અને ડિજિટલ મીડિયા દ્વારા અને સોશિયલ મીડિયા પર દર્શાવી શકાય છે.