મથુરા: કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર ક્રેશ થયું હતું. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થઈને બે ભાગમાં ટૂટી પડ્યું હતું. વંદે ભારત મિશન અંતર્ગત વિમાન દુબઇથી 190 લોકોને લઇને આવી રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. જ્યારે બંને પાઇલટ સહિત 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કો-પાયલટ અખિલેશ કુમાર ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી હતાં.
વર્ષ 2017માં અખિલેશ કુમાર એર ઈન્ડિયા એરલાઇન્સમાં જોડાયા હતાં. શહેરના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોતરા કુંડના રહેવાસી તુલસી રામના પુત્ર અખિલેશ કુમાર એર ઈન્ડિયા એરલાઇન્સમાં સહ-પાયલટ તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે રાત્રે દુબઈથી આવતું પ્લેન કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ક્રેશ થયું હતું, જેમાં કો-પાયલટ અખિલેશ કુમાર શર્માનું પણ મોત નીપજ્યું હતું.
આ માહિતી મળ્યા બાદ પરિવારના બે સભ્યો કેરળ જવા રવાના થયા છે. કો-પાયલટ અખિલેશ કુમારનો મૃતદેહ મોડી રાત સુધીમાં મથુરા પહોંચશે. અખિલેશના માતા-પિતા, એક મોટી બહેન અને બે નાના ભાઈઓ છે. અખિલેશે બે વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં.
મૃતક કોપાયલટના ભાઈ વાસુદેવે જણાવ્યું કે, મોડી રાત્રે કેરળથી ફોન આવ્યો હતો કે વિમાન દુર્ઘટનામાં અખિલેશ કુમારનું મોત નીપજ્યું છે. રાત્રે પરિવારના બે સભ્યો કેરળ જવા રવાના થયા છે. પરિવારમાં માહિતી મળ્યા બાદ અખિલેશની પત્ની અને માતાના પિતાને હજુ સુધી જાણ કરવામાં આવી ન હતી. પરિવારમાં ઉદાસીનું વાતાવરણ છે.