ગુવાહાટી: આસામના સોનીતપુર જિલ્લાના અસલમારા વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે. આ અથડામણ બાદ લોકોના જૂથે બાઇક અને ફોર વ્હિલર્સને આગ ચાંપી દીધી હતી, જેના કારણે આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા વહીવટીતંત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસે જણાવ્યું હતું કે, બજરંગ દળના એક જૂથે ભગવાન રામ મંદિરના શિલાન્યાસ સમારોહની ઉજવણીના ભાગરૂપે બુધવારે ભારા સિંગારી શિવ મંદિરમાં રેલી કાઢી હતી, ત્યારે આ ઘટના બની હતી.
આ રેલીમાં બાઇક અને ફોર વ્હિલર સામેલ હતા. રેલીમાં જોર જોરથી ગીતો વગાડવામાં આવા રહ્યા હતા. એટલું જ નહીં બજરંગ દળના કાર્યકરો ભગવાન રામના નારા પણ લગાવતા હતા. બીજા જૂથે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ બંને જૂથો વચ્ચે અથડામણ થઇ હતી.
જો કે, મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ ઘટનામાં બંને જૂથોના લોકો ઘાયલ થયા છે.
પરિસ્થિતિને કાબૂમાં રાખવા અને હિંસાના ફેલાવાને રોકવા માટે જિલ્લા વહીવટીતંત્રે વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત કર્યા છે.