- મહારાષ્ટ્ર રાજ્યમાં જેલ પર્યટન શરૂ કરવાની જાહેરાત
- ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કરી જાહેરાત
- યરવડા જેલ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ
મહારાષ્ટ્ર : ગૃહ પ્રધાન અનિલ દેશમુખે શનિવારે રાજ્યમાં જેલ પર્યટન શરૂ કરવાની જાહેરાત કરી છે. પુણેની યરવાડા સેન્ટ્રલ જેલ રાજ્યની આવી પહેલી જેલ હશે જ્યાં પ્રવાસીઓ જેલની મુલાકાત લઈ શકશે. બીજા તબક્કામાં તેને નાગપુર સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવશે.
નાગપુરમાં ગૃહપ્રધાને કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર 26 જાન્યુઆરીએ પુણેની યરવાડા જેલમાં જેલ પ્રવાસન સુવિધાનું ઉદઘાટન કરશે. આ માટે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી 5 રૂપિયા, કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી 10 રૂપિયા અને સામાન્ય પ્રવાસીઓ પાસેથી 50 રૂપિયા ફી લેવામાં આવશે. દેશમુખે જણાવ્યું કે, 500 એકરમાં ફેલાયેલી આ જેલનો અમુક ભાગ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓ, સંશોધનકારો અને અન્યને જેલ પ્રણાલી વિશે શીખવાની અને સમજવાની તક મળશે.
જેલમાં ફરવા માટે જેલ તરકથી આપવામાં આવશે એક ગાઇડ
જેલ પ્રશાસન દ્વારા એક ગાઇડ પણ આપવામાં આવશે. જેલ પર્યટન માટે એક વખતમાં 50 લોકોને અનુમતિ આપવામાં આવશે. જેના માટે સાત દિવસ પહેલાં ઓનલાઇન અથવા યરવડા જેલમાં કાઉન્ટર પરથી ટિકિટ બુક કરવાની રહેશે. આ જેલમાં ફરતી વખતે મોબાઇલ ફોન, કેમેરા વગેરે લઇ જવાની મનાઇ રહેશે. જોકે, જેલ દ્વારા નિયુક્ત ફોટોગ્રાફર દ્વારા પ્રવાસીઓ તેમના ફોટોગ્રાફ્સ મેળવી શકે છે. આ માટે, તેમને વધારાના ચાર્જ ચૂકવવા પડશે.
દક્ષિણ એશિયાની સોથી મોટી જેલ
યરવડા જેલ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે. બ્રિટિશ શાસન દરમિયાન જેલમાં મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિતના કેટલાય સ્વાતંત્રીય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા.
આ જેલમાં કસાબને થઇ હતી ફાંસી
26/11 આતંકી હુમલાનો દોષી અજમલ આમિર કસાબને આ જેલમાં હાઇ સિક્યુરિટી સેલમાં નાખવામાં આવ્યો હતો અને અહીં જ તેને ફાંસી પર ચઢાવવામાં આવ્યો હતો.