પ્રયાગરાજઃ દેશના સૌથી મોટા ધાર્મિક આયોજન માઘ મેળો સંગમનગરીમાં ચાલી રહ્યો છે. દેશના અલગ-અલગ ખૂણાથી શ્રદ્ધાળુઓ સંગમનગરી પહોંચે છે. માઘમાં સમગ્ર માસ શ્રદ્ધાળુઓનું આગમન થાય છે. માઘ મેળામાં આવનારા ભક્તો એકબીજાથી અલગ ન થઇ જાય તે માટે પોતાના હાથોમાં એક ડંડો લઇને ચાલે છે. અમુક લોકો ડંડામાં ત્રિરંગો લગાવીને પણ ચાલે છે, તો કોઇ પાણીની બોટલ, કોઇ રંગબેરંગી કપડું લઇને આગળ વધે છે. સંગમમાં આવનારા શ્રદ્ધાળુઓએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, પોતાના અંગત લોકો ક્યાંય ગુમ ન થઇ જાય તે માટે પોતાની ટોળકીના એક સભ્ય હાથમાં આ પ્રકારે ઓળખ લઇને ચાલે છે.
દુરથી જ થઇ જાય છે ઓળખઃ
માઘ મેળામાં સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુ મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કુશીનગરથી 30 લોકો એક સાથે મેળામાં સંગમ સ્નાન કરવા આવ્યા છે. મેળામાં ટીમના કોઇ સભ્ય ભટકી ન જાય તે માટે ઓળખના રુપે ડંડામાં ધ્વજ લગાવીને ચાલે છે. ડંડા અને ઝંડાને જોઇને કોઇ પણ સભ્ય પાછળ-પાછળ ચાલે છે. જો કોઇ ગ્રુપથી ભટકી જાય છે, તો ઓળખના નિશાનને જોઇને ફરીથી મળી પણ જાય છે.
માઘ મેળામાં મધ્યપ્રદેશથી સંગમ સ્નાન કરવા આવેલા રામપ્રસાદ પટેલે જણાવ્યું હતું કે, યાત્રીઓના ચિહ્નના રૂપે આ કામ કરે છે. જેટલા પણ ભક્તો ગ્રુપમાં આવે છે, તેમાં એક મુખ્ય વ્યક્તિ હાથમાં ચિહ્ન લઇને આગળ વધે છે અને અમે તેની પાછળ-પાછળ ચાલીએ છીએ.
શ્રદ્ધાળુ બૃજમોહન પટેલે જણાવ્યું કે, હાથમાં ચિહ્ન લઇને ચાલવાથી તમામ સાથી એક બીજાથી અલગ થતા નથી. સ્નાન કર્યા બાદ પણ ગ્રુપના તમામ લોકો આ ચિહ્નને જોઇને ફરીથી એકઠા થઇ જાય છે.