ભોપાલ: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય નાટક વચ્ચે કમલનાથની આગેવાનીવાળી સરકાર ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય વિપક્ષી દળ ભાજપ પર કમલનાથ સરકારને અસ્થિર કરવા માટેના પ્રયાસોના આરોપ લાગ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે, ભાજપે સરકાર ભાંગવા માટે 10 ધારાસ્યોનું અપહરણ કર્યું છે. આ અપહરણ કરાયેલા ધારાસભ્યોમા કોંગ્રેસ, બસપા, સપા અને અપક્ષ ધારાસભ્યો સામેલ છે.
જો કે, ભાજપે આ આરોપોને ફગાવી કહ્યું કે, 26 માર્ચના રોજ મધ્યપ્રદેશમાં 3 રાજ્યસભા બેઠકોમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કોંગ્રેસની અંદર ચાલી રહેલા ઝઘડાનું પરિણામ છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મીડિયા સમક્ષ કહ્યું કે, અમે ટૂંક સમયમાં મધ્ય પ્રદેશ મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહ્યા છીંએ. હવે અમારી સરકારને કોઈ પ્રકારનો ડર નથી. કારણ કે, ભાજપના ધારાસભ્યોની વેચાણ અને ખરીદી નિષ્ફળ ગઈ છે.
બીજી બાજૂ એક રાજકીય તજજ્ઞએ જણાવ્યું કે, રાજ્ય સરકાર માટે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું અત્યંત કઠીન થયું છે. કારણ કે તેમાં તેમણે કોંગ્રેસના વિવિધ જૂથોના ધારાસભ્યો તેમજ બસપા, સપા અને અપક્ષ ધારાસભ્યને સામેલ કરવા પડશે.
તેમણે કહ્યું કે, વર્ષ 2018માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કમલનાથના આગેવાનીવાળી સરકાર બની હતી. ત્યારબાદ કમલનાથે એકલા મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંઘ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના જૂથોમાં આંતરિક લડાઈને કારણે તેમને મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં લાંબો સમય લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકો છે, જેમાંથી હાલમાં 2 બેઠક ખાલી છે. આમ, રાજ્યમાં હાલમાં 228 ધારાસભ્યો છે, જેમાં 114 કોંગ્રેસ, 107 ભાજપ, 4 અપક્ષ, 2 બહુજન સમાજ પાર્ટી અને 1 સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો સામેલ છે. કોંગ્રેસ સરકારને આ 4 અપક્ષ ધારાસભ્યો તેમજ બસપા અને એસપીનો ટેકો છે.