કોવિડ-19 સંકટને કારણે ઘણા લોકોમાં નોકરી જતી રહેવાનો ભય છે, ઘણા લોકોના પગાર પહેલેથી જ કપાઇ ગયા છે અને લગભગ દરેક કર્મચારીના એપરેઝલમાં વિલંબ થઇ રહ્યો છે. દેશમાં હાલ ચાલી રહેલું લૉકડાઉન હજુ કેટલો સમય ચાલશે તે કોઇને ખબર નથી ત્યારે કર્મચારીઓ પોતાના ભાવિ અંગે ચિંતિત થયા છે જેને પગલે ઘણી કંપનીઓને પોતાના કર્મચારીઓનું મનોબળ જાળવી રાખવા માટે રસ્તાઓ શોધવાની ફરજ પડી છે.
કેટલીક કંપનીઓ પોતાના સ્ટાફ મેમ્બર્સ માટે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે “ખુશ કેવી રીતે રહેવું” તે અંગે સેશન્સ શરૂ કરવા માટે મનોચિકિત્સકોને રોકી રહી છે જ્યારે કેટલીક કંપનીઓએ પોતાના કર્મચારીઓ સાથે બિઝનેસ અપડેટ્સ અંગે નિયમિત રીતે કમ્યુનિકેશન જાળવી રાખવાનું નક્કી કર્યું છે અને બહુ થોડી કંપનીઓ આ વિકટ સમય દરમિયાન સારો દેખાવ કરનાર કર્મચારીને વધારાના ભથ્થા આપવા ઉપરાંત તેમની કારકિર્દીનો વિકાસ જળવાઇ રહે તે માટે પણ પગલાં ભરી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે વર્તમાન સંકટને કારણે કર્મચારીઓ તેમજ કંપનીઓ પર ભારે તણાવ પેદા થયો છે લૉકડાઉન ટૂંક સમયમાં ઉઠાવાય તેવી શક્યતા નથી ત્યારે કર્મચારીઓના ભાવાત્મક પડકારોમાં વધારો થયો છે.
ટીમલીઝ સર્વિસિસના ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ ઍન્ડ એન્જિનિયરિંગ એન્ડ જનરલ સ્ટાફિંગના બિઝનેસ હેડ સુદીપ સેને જણાવ્યુ હતું કે, “કર્મચારીઓમાં ચિંતા ચોક્કસથી જણાઇ રહી છે કારણકે અત્યારે આપણે સૌ એક એવા દોરમાંથી પસાર થઇ રહ્યાં છીએ જેને આપણે આપણી આખી જિંદગીમાં ક્યારેય નથી જોયો. એપરેઝલની વાત કરીએ તો, તે અંગે કંપનીઓના વલણ અંગે કંઇ પણ કહેવું વહેલું છે કારણકે કોવિડ-19ની રોજગારદાતાઓ અને તેમના બિઝનેસ પર પણ ભારે ગંભીર અસર થઇ છે.”
વૈશ્વિક મહામારી દરમિયાન કેટલાક રિટેલ એકમો હજુ પણ ચાલુ જ છે અને આરોગ્ય સંભાળ, ફૂડ સર્વિસ અને ક્રિટિકલ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ ક્ષેત્રમાં ઓનસાઇટ કામ કરતા કર્મચારીઓમાં ઘરેથી કામ કરતા કર્મચારીઓ કરતાં અલગ જ તણાવ અને ચિંતાઓ છે.
ઓનસાઇટ કામ કરતા કર્મચારીઓને કોઇ સાથી કર્મચારી અથવા કોઇ ગ્રાહક દ્વારા સંક્રમિત થવાની ચિંતા સતાવી રહી છે. તેમને ચિંતા છે કે શું સંસ્થા તેમના કાર્યસ્થળ પર તેમને પુરતી સુરક્ષા પૂરી પાડશે કે કેમ? ઓનસાઇટ કામ કરતા કર્મચારીઓને આનાથી પણ મોટી ચિંતા સતાવી રહી છે કે શું ઘરથી ઓફિસ સુધી રસ્તામાં કોઇ પોલીસવાળો તેને ડંડા તો નહીં મારે ને?
આવા સમયમાં આવશ્યક ક્ષેત્રની કંપનીઓએ ઓનસાઇટ કામ કરતા કર્મચારીનો ઉત્સાહ વધારવા માટે વિશેષ એપ્રિશિયેશન એલાઉન્સ આપવા ઉપરાંત તેમની સલામતી માટે વારંવાર અડવાનું થતું હોય તેવી સપાટીઓને સેનિટાઇઝ કરવી, માસ્ક પૂરા પાડવા, સેનિટાઇઝર સ્ટેશન ઉભા કરવા અને તમામ કર્મચારીઓના ટેમ્પરેચર ચેક કરવા જેવા સલામતીના પગલાં શરૂ કર્યા છે.
વૉલમાર્ટ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આવા વિકટ સમયમાં અમારા સ્ટોર્સમાં કામ કરતા તેમજ સમાજને નિસ્વાર્થ સેવા આપતા અમારા કર્મચારીઓના અમે આભારી છીએ. તેમના આ યોગદાનની કદર કરતા અમે લૉકડાઉનના સમયગાળા દરમિયાન દરેક ફીલ્ડ એસોસિયેટને તેમના વેતન ઉપરાંત દૈનિક રૂ. 200નું એપ્રિશિયેશન એલાઉન્સ આપીશું.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે અમારા સ્ટોર એસોસિયેટ્સના સલામત પરિવહન માટે પણ કટિબદ્ધ છીએ અને જો એસોસિયેટને કોઇ સ્થાનિક વાહન ના મળે તો અમે તેનો આવવા-જવાનો ખર્ચ પણ આપીએ છીએ.”
આ વિકટ સમયમાં ટકી રહેવા માટે એચઆર લીડર્સ અને પીપલ મેનેજર્સ તેમના કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે અને સહાય કરી રહ્યા છે, બિઝનેસ અપડેટ્સ, પોઝિટિવ ન્યૂઝ અને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કંપની દ્વારા લેવાતા પગલાંઓ અંગે કર્મચારીઓ સાથે નિયમિત કમ્યુનિકેશન કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ પોતાના સ્ટાફને પ્રોત્સાહિત કરવા અને તણાવમુક્ત રાખવા માટે સ્પેશિયલ ઑનલાઇન સેશન્સ પણ હાથ ધરી રહી છે.
મનોચિકિત્સક અને ‘હોપીનેસ કૉચ’ સાક્ષી મંધ્યાનને વિવિધ કંપનીઓએ આવા ઑનલાઇન ‘હેપીનેસ ક્લાસિસ’ માટે નિયુક્ત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે જ્યારે અણધાર્યા અને અનિશ્ચિત ભવિષ્ય અંગે વિચારીએ છીએ ત્યારે આપણે ચિંતિત થઇએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, “જો આપણે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ઘણા લોકોએ માર્ચ મહિનામાં એપરેઝલ થવાના છે તેવી ગણતરી કરીને એપ્રિલ અને ત્યાર બાદના મહિનાઓનું આયોજન કરેલું હશે.”
મંધ્યાન અગાઉ મેક્સ હોસ્પિટલ્સ સાથે જોડાયેલા હતા અને અત્યારે તેઓ ગુડગાંવમાં પોતાનું મંધ્યાન ક્લિનિક ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે લોકોએ પોતાના નિયંત્રણમાં નથી તેવી વસ્તુઓ અંગે ચિંતા કરવાના બદલે પોતાના હાથમાં જે વસ્તુ છે તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરવો જોઇએ.
દાખલા તરીકે, વર્તમાન સ્થિતમાં તમારી પાસે નોકરી હશે કે નહીં હોય તે તમારા હાથમાં નથી પરંતુ અત્યારે તમારે તમારી નાણાકીય બાબતોનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે તમારા હાથમાં છે. માટે, અત્યારે જરૂર પુરતો જ ખર્ચ કરવો હિતાવહ છે.
મધ્યાને જણાવ્યું હતું કે, “અત્યારે લોકો મોટાભાગે ઘરમાં જ રહેતા હોવાથી તેમના ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. અત્યારે તમને બિનજરૂરી અને ટાળી શકાય તેવા વૈભવ વગર જીવવાનો અનુભવ મળ્યો છે તેને આગળ પણ જાળવી રાખવો જોઇએ. જો આપણે આપણા બાપ-દાદાઓનું જીવન જોઇએ તો અહેસાસ થશે કે, તેમના વખતે આવા વૈભવી ખર્ચા ન હતા તેમ છતાં પણ તેઓ ખુશ રહેતા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “માનવનો શ્રેષ્ઠ ગુણ નવી વસ્તુઓને અપનાવવાની તેની ક્ષમતાઓ અને દરેક પ્રકારની સ્થિતિમાં ટકી રહેવાની શક્તિમાં રહેલો છે. શરૂઆતમાં થોડી તકલીફો પડશે પરંતુ ધીમેધીમે આપણને તેની આદત પડી જશે અને આપણે બદલાતી સ્થિતિઓ સાથે સમાધાન સાધી લઇશું. માનવની ટકી રહેવાની કુદરતી સહજવૃત્તિને કારણે તે કોઇ પણ સ્થિતિમાં અનુકૂલન સાધી શકે છે. લૉકડાઉનને કારણે આપણામાં ધીરજનો ગુણ વિકસ્યો છે, જેમકે આપણે હવે ઘરની બહાર પાર્ટીમાં જવાના બદલે ઘરમાં જ સૌ સભ્યો ભેગા થઇને પત્તા રમીને સમય પસાર કરી શકીએ છીએ.”
ઘણી સંસ્થાઓ તેમના કર્મચારીઓની સર્જનાત્મકતા જાળવી રાખવા માટે ઑનલાઇન ટૂલ કિટ્સ અને અન્ય સંસાધનો પૂરા પાડી રહી છે. ઘણી કંપનીઓએ આ સમયનો તેમની કર્મચારીઓ માટે લર્નિંગ ઍન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટો ચલાવવા માટે પણ સદઉપયોગ કર્યો છે. SHRM ઇન્ડિયાના એડવાઇઝરી સર્વિસિસના એસોસિયેટ ડિરેક્ટર આશિષ કૌલે જણાવ્યું હતું કે, “સંસ્થાઓ પણ તેમના કર્મચારીઓના કલ્યાણ, હકારાત્મક માનસિક સ્થિતિ અને સ્થિર અને પ્રમાણિક રહેવાની ક્ષમતા અંગે તેટલી જ ચિંતિત છે. જે કર્મચારીઓ સારું કામ કરે છે તેમના માટે આ ચિંતા વિશેષ છે.”
કોવિડ-19નું સંકટ પૂરું થયા બાદ આવા કર્મચારીઓને તેમની કારકિર્દી માટે સ્પષ્ટ અને યોગ્ય રૉડમેપ આપવો પણ જરૂરી છે એમ કહેતા કૌલે ઉમેર્યું હતું કે, ઘણી સંસ્થાઓ કર્મચારીઓને ઇન્સેન્ટિવ તરીકે, ભોજન ઓર્ડર કરવા માટે કૂપનો ઓફર કરી રહી છે અને ઑનલાઇન યોગા ક્લાસિસ જેવા લાભો સુનિશ્ચિત કરી રહી છે.
ગ્લોબલ એક્ઝિક્યુટિવ રિક્રૂટમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંતલ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જોસફ દેવસિયાએ જણાવ્યું હતું કે, “અત્યારનો સમય કર્મચારી અને સંસ્થા બંનેએ જવાબદાર રીતે વર્તવાનો છે. કંપનીઓએ તેમના કર્મચારીઓ પ્રત્યે સંવેદના દર્શાવવી જરૂરી છે, બિઝનેસ સ્થિતિમાં પારદર્શી રહેવાથી તેમજ સ્પષ્ટ અપેક્ષાઓ નિર્ધારીત કરવાથી કર્મચારીઓને તણાવ દૂર કરવામાં મદદ મળશે.”
દેવસિયાએ વધુમાં જણાવ્યું હતુંકે, “આ કપરા સમયમાં, કંપની તેવા લોકોની વધુ દરકાર કરશે જેમણે સંસ્થાની વૃદ્ધિમાં યોગદાન આપેલું છે.”
તેમણે નોંધ્યું હતું કે દરેક સંસ્થાએ આગામી 12 મહિનામાં કોઇક તબક્કે તેમના કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પડશે માટે પગાર, ભથ્થા અને લાભોમાં ફેરફાર થવો અને બોનસ કે ઇન્ક્રિમેન્ટ બંધ થઇ જવા જેવી બાબતો બની જશે. આવી સ્થિતિમાં પ્રમાણિક કર્મચારી જ જીતશે !