નવી દિલ્હી : ભારતની રાજધાની દિલ્હીમાં ફરીવાર મુખ્યપ્રધાન અને ઉપરાજ્યપાલ સામસામે આવી ગયા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના વાઇરસ દર્દીઓના સારવાર માટે લીધેલ નિર્ણય બાદ ઉપરાજ્યપાલે પણ આદેશ આપ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલમાં માત્ર દિલ્હીના નાગરિકોની જ સારવાર કરવામાં આવશે જે બાદ રવિવારે ઉપરાજ્યપાલે આદેશ આપતા કહ્યું કે કોઈ પણ હોસ્પિટલ અન્ય રાજ્યના દર્દીઓને સારવાર માટે ના પાડી શકશે નહીં.
દિલ્હીના ઉપરાજ્યપાલે અરવિંદ કેજરીવાલના તે નિર્ણયને રદ કરી નાખ્યો જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, દિલ્હીના સરકારી હોસ્પિટલમાં માત્ર દિલ્હીના જ નાગરિકોને કોરોના વાઇરસની સારવાર આપવામાં આવશે. ઉપરાજ્યપાલે ડીડીએમ ચેરપર્સનના સત્તાની રુએ સંબંધિત વિભાગોને આદેશ આપ્યા છે કે બહારના રાજયના કોઈ પણ વ્યક્તિને કોરોનાની સારવાર આપવામાં આવે. આ નિર્ણય બાદ દિલ્હીમાં રહેતા બહારના નાગરિકોને રાહત મળશે જે કોરોના વાઇરસની સારવાર લેવા માંગે છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં કોરોના વાઇરસના વધતા કેસને જોતા દિલ્હીમાં કેબિનેટ બેઠક યોજવામાં આઈ જે બાદ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે સૌથી મોટો નિર્ણય લઇને જાહેરાત કરી હતી કે દિલ્હીમાં હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીઓને સારવાર આપવામાં આવશે. જોકે દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં બધા જ લોકોને સારવાર આપવામાં આવે. કેજરીવાલે કહ્યું કે જૂનના અંત સુધી કોરોના વાઇરસના 15 હજારથી વધારે બેડની જરૂર પડશે. જે બાદ એક્સપર્ટના અહેવાલ બાદ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની હોસ્પિટલમાં દિલ્હીના લોકોની જ સારવાર કરવામાં આવશે.