ન્યૂઝ ડેસ્ક : આ કરફ્યૂ માત્ર એક દિવસ પૂરતો લાગુ ન કરતાં, ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસને પગલે લોકોને આવનારા દિવસો અને અઠવાડિયાંઓ સુધી ઘરમાં જ પૂરાઇ રહેવાની સલાહ આપવામાં આવી છે. તો ચાલો, આ અણધારી પ્રાપ્ત થયેલી તકનો લાભ ઊઠાવીને તેને આરોગ્યપ્રદની સાથે સાથે આનંદપ્રદ બનાવીએ.
- ચાલો, જાગૃતિ ફેલાવીએ
પરિવારના સભ્યોને કોરોના અને તેના વ્યાપ અંગે જાણકારી આપીને જે તકેદારીઓ રાખવી જરૂરી હોય, તે અંગે માહિતી પૂરી પાડી શકાય.ટ
- એક્સરસાઇઝ
નિયમિત ધોરણે તમે કરતાં હોવ, તેના કરતાં થોડી વધુ એક્સરસાઇઝ કરવી જોઇએ. યોગાસન કરનારી વ્યક્તિઓ નવા આસનો અજમાવી શકે છે.
- સાથે મળીને રસોઇ બનાવવી
મહિલાઓ રોજ ઘરે રસોઇ બનાવી-બનાવીને કંટાળી જાય છે. તમે તેમને મદદ કરી શકો છો. ખાસ કરીને ઘરનાં કામો અને પોતાનાં ઓફિસનાં કામોની વચ્ચે અટવાતાં કર્મચારીઓ હવે ઘરનાં કેટલાંક કાર્યો પરિવારના સભ્યોને સોંપી શકે છે અને દિવસના અમુક કલાકો આરામમાં વીતાવી શકે છે. આમ, તેઓ થોડા સમય માટે ઊંઘી શકે છે.
- પુસ્તકોની દુનિયામાં ડોકિયું
આજની ભાગદોડવાળી જીંદગીમાં પુસ્તકો વાંચીને ક્વોલિટી ટાઇમ પસાર કરવો મુશ્કેલ છે. અત્યારના અવસરને ધ્યાનમાં રાખીને ચાલો, શાંત અને સ્પષ્ટ દિમાગ સાથે એક પુસ્તક આખું વાંચી જવાનો પ્રયત્ન કરીએ.
- ચાલો, સાથે મળીને સફાઇકામ કરીએ
બાળકો માટે વ્યક્તિગત અને પર્યાવરણીય આરોગ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું. પરિવારના સભ્યો ઘરની તમામ પ્રકારની સાફ-સફાઇનું કાર્ય સાથે મળીને કરી શકે છે. બાળકો પણ રોજિંદા ધોરણે આપણે જેમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ નિયમિતપણે જેને સાફ કરવા માટે સમય નથી કાઢી શકતાં, તે બાથ ટબ અને વોશરૂમ સહિત સમગ્ર ઘરની સફાઇ કામગીરીનો ભાગ બની શકે છે.
- શોખ અને વિવિધ પ્રવૃત્તિઓમાં મગ્ન રહો
તમારાં બાળકો સાથે રમો. તેમને ડ્રોઇંગ, પેઇન્ટિંગ તથા અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓમાં સાંકળો અને તમે પણ તેમાં સામેલ થાઓ. બ્રશ લો અને ચિત્રોમાં રંગ પૂરો. પરિવારના સભ્યો સાથે મળીને મનગમતાં ગીતો ઉપર ડાન્સ કરો. સાથે મળીને ગીતો ગાઓ, અંતાક્ષરી અને ડમ્બ-શેરાઝ, વગેરે જેવી રમતો રમો. આવી પ્રવૃત્તિઓ તમને સક્રિય રાખશે અને સમય પણ સરસ રીતે પસાર થશે.
- સમગ્ર અખબાર, સામયિક વાંચી જાઓ
આપણાંમાંથી મોટાભાગનાં લોકોને નિયમિતપણે આખું છાપું કે સાપ્તાહિક સામયિક આંખું વાંચી જવાનું ગમે છે. પરંતુ, આપણી ફાસ્ટ લાઇફમાં સમયના અભાવને કારણે આપણે રોજ સવારે માત્ર અખબારની હેડલાઇન્સ જ વાંચી શકીએ છીએ. હવે, તમારી પાસે આખું છાપું વાંચી જવા માટે તથા મહામારી - કોરોનાની સ્થિતિ અંગેની મહત્વપૂર્ણ અપડેટને ચૂકી ન જવા માટે પૂરતો સમય છે. જર્નલ્સમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે અન્ય ઘણાં વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત લેખો સમાવવામાં આવ્યા છે. તે લેખોનું વાચન કરીને જાગૃતિ ફેલાવી શકાય છે.
- મેસેજના આ યુગમાં પત્રો લખતાં શીખી જાઓ
આ દિવસોમાં, બાળકો ઘણી વખત તેમનાં દાદા-દાદી, અન્ય પરિવારજનો તથા સંબંધીઓ સાથે ફોન પર વાત કરતાં હોય છે. બાળકોને પત્ર લેખનનું કોઇ જ્ઞાન જ નથી અને પત્ર-લેખન એ કેવળ તેમના શૈક્ષણિક ભાષાના વિષયો પૂરતી જ મર્યાદિત પ્રવૃત્તિ બની ગિ છે. તેમને પત્ર લેખનનો વાસ્તવિક અનુભવ કરાવવા માટેનો આ એકદમ યોગ્ય સમય છે. બાળકો પાસે કેવળ પરિવારના સભ્યોને ઉદ્દેશીને જ નહીં, બલ્કે અખબારો તથા સામયિકો માટે પણ પત્ર લખાવી શકાય. આ પ્રવૃત્તિ તેમના રચનાત્મક લેખ માટે ઉપયોગી નીવડવાની સાથે સાથે તેમનાં ભાષાકીય કૌશલ્યો વિકસાવવામાં પણ મદદરૂપ થશે.
- પ્લાસ્ટિક એકઠું કરવાની સ્પર્ધા
પ્લાસ્ટિકનાં કવર, બોટલ્સ અને ખોખાં ઘરમાં લગભગ દરેક જગ્યાએ પડેલાં જોવા મળે છે. બાળકો માટે ઘરની અંદરથી તમામ પ્લાસ્ટિક ભેગું કરવાની સ્પર્ધા યોજી શકાય, અને જે બાળક સુધી વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક દૂર કરે, તેને વિજેતા જાહેર કરીને ઇનામ આપી શકાય.
- ચાલો, ગુજરાતી શીખીએ
અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહેલાં બાળકો પોતાની માતૃભાષા ભૂલી રહ્યાં છે. તમે તેમને ગુજરાતીમાં ટૂંકી વાર્તાઓ તથા કવિતાનાં પુસ્તકો વાંચીને સંભળાવી શકો અને આ પ્રવૃત્તિને વધુ રસપ્રદ અને રોમાંચક બનાવીને તેમને તે વાર્તાઓ, કવિતાઓ રિપીટ કરવા માટે જણાવી શકો છો.
- પરંપરાગત રમતો રમીને સમય પસાર કરો
ચેસ, કેરમ, નવો વેપાર વગેરે જેવી ઘરે બેસીને રમી શકાય તેવી પરંપરાગત રમતો રમીને સમય પસાર કરી શકાય.
- કુદરત સાથે તાદાત્મ્ય
બાળકોને સાથે રાખીને ઘરના વાડામાં કે એપાર્ટમેન્ટના સંકુલમાં રહેલાં ફૂલ-છોડને પાણી પાવું. કૂંડાની સફાઇ પણ કરી શકાય. આ ઉપરાંત, તમે નવા છોડ પણ વાવી શકો છો.
- પરિવાર સાથે કેન્ડલલાઇટ ડિનરની મોજ માણો
છેલ્લે, તમારા માટે અને તમારા પરિવારના સભ્યો માટે એક મોજભર્યા કેન્ડલલાઇટ ડિનરનું આયોજન કરવું!! શહેરના તમામ નાગરિકો પોતપોતાનાં ઘરોમાં બંધ છે, ત્યારે વીજળીની માગ ઘમી વધારે રહેવાની, અને તેથી વીજળીના પુરવઠા પર ભારે દબાણ સર્જાશે. જો તમે ડિનરને એક આનંદપ્રદ કાર્યક્રમ બનાવવા ઇચ્છતા હોવ, તો થોડી મીણબત્તીઓ સળગાવો, તેમને રૂમની ફરતે ગોઠવો, ઘરની તમામ લાઇટો બંધ કરી દો અને તમારા પરિવાર સાથે બેસીને કેન્ડલલાઇટ ડિનરની મજા માણો. જ્યારે ઉપર જણાવેલી તમામ પ્રવૃત્તિઓથી તમે થાકી કે કંટાળી જશો, ત્યારે આ છેલ્લી ઇવેન્ટ ચોક્કસપણે તમને હળવાશનો અનુભવ કરાવશે અને તમે આનંદથી ઊંઘી જશો. સવારે ઊઠીને તમે વિચારતા હશો કે, ભૂતકાળમાં આટલી મજા કદી નહોતી કરી!!
તો, ટૂંકમાં, ઘરે રહીને સમય પસાર કરવો, એ બિલકુલ કંટાળાજનક બાબત નથી!!, ખાસ કરીને જ્યારે આપણને એમ જણાવવામાં આવ્યું હોય કે, ઘરની અંદર ભરાઇ રહેવું, એ સલામત રહેવા માટેનો એકમાત્ર ઉપાય છે!!!