NHSRCLના પ્રવક્તા સુષમા ગૌરે માહિતી આપતા જણાવ્યું છે કે, આ યોજના માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી તરત જ જમીન સંપાદનનું કામ પુરૂ કરવામાં આવશે. સંપાદનનું મોટાભાગનું કામ ડિસેમ્બર 2019 સુધીમાં પૂર્ણ થશે. ભારતમાં બુલેટ ટ્રેનો પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે દોડશે. 508 કિલોમીટરનું અંતર માત્ર બે કલાકમાં કપાશે. હાલમાં આ અંતર કાપવામાં સામાન્ય ટ્રેનોને 7 અને વિમાનને 1 કલાક જેટલો સમય થાય છે.
હાલમાં રેલવેએ ટનલ બોરિંગ મશીન અને ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરી બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્ષ અને શિલ્ફાટાની વચ્ચે હાઈસ્પીડ રેલવેની ટેસ્ટિંગ, કમિશનિંગ સહિત ટનલિંગના કામો માટે ટેન્ડર મંગાવાયા છે. બોઈસર અને બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્ષ વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલ ખોદાશે. જેનો 7 કિલોમીટર જેટલો ભાગ સમુદ્રમાંથી પસાર થશે. સુષમા ગૌરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર-ગુજરાત સ્થિત જરોલી ગામ અને વડોદરાની વચ્ચે 237 કિલોમીટર લાબો રેલવે લાઈન કૉરીડોરની ટેસ્ટિંગ, કમિશનિંગ, સિવિલ અને બિલ્ડિંગના કામ માટે ડિઝાઈન અને નિર્માણ કાર્ય માટે ટેન્ડર મંગાવાયા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વાપી, બિલીમોરા, સુરત, અને ભરૂચમાં રેલવે સ્ટેશનના નિર્માણ માટે પણ ટેન્ડરો મંગાવાયા છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનથી જોડાયેલી સાબરમતી હબનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.